84 - સકળ લોકે / રઘુવીર ચૌધરી


સકળ લોકે
એકલું હવે નથી લાગતું મને,
જ્યારથી તારાં
લોચનમાંથી નીરખ્યું જગત પલાશવને.

લાવ હથેલી સોંપવું મારે ભવિષ્ય એના
કોમલ તીરે.
આદિમ યુગે ઊછળ્યું ધરા પર, તરું તે
પાગલ તીરે
આજ ખેંચાયાં
ચોગમ કેવાં રંગધનુ જો શ્યામલઘને.

ફરકે ભલે
પાલવછેડે મૂક તારો ઉન્માદ વધારે.
ધીટ હવાના
પ્રલયમાં જો આપણો આ અવકાશ તણાયે.
રંગની ચડે
ભરતી નભે છલકે બીજી ભીજવે મને.

૧૯૬૪


0 comments


Leave comment