21 - ફલશ્રુતિ – ૫ વતન / રઘુવીર ચૌધરી


આ ઇમારતી પડછાયાઓનો
ભાર ખેંચતો
ઘસડું છું મને પરાણે.
કદમ રગશિયાં ભરી ભરીને
ઘણું કરીને કોટ બ્હાર
નીકળી શકવાનો નથી.
હવે તો બચાવ કર્ણાવતી !

ત્યજીને ભૂતકાળને
આવ.
નગર આ મકાનનું છે,
માણસનું ના.
નાગરિક આંખોની
ઠંડી-હિમ કેદમાં
ઉછંગની શોધે નીકળેલા
ધ્રુવ પૂરાયા.
ચરણ હોત ત્યાં
ચક્ર વહે છે
પંથ હોત ત્યાં
નિષ્ઠુર આ પગથાર પડ્યા છે.
શબ્દ હોત ત્યાં
અવાજ છે.
આ અવાજનું ના ભાન કર્ણને.
સાર્વભૌમ છે અહીં
માત્ર ઘૂસરતા.
આંખોમાં જ નહીં, આ નગર ઉપરના
ગગનમહીં વાદળને સ્થાને
ઘૂસરતા છે.

પરાક્રમી યંત્રોની ઊંચી ચીમનીઓના
છોગેથી છલકાય ઘૂસરતા.
દુણાઈ ચાલ્યું બીજ ધરાનું.
કાળપિછોડી ઓઢી લેવા
આતુર જાણે નગર,
તને તો બચાવ કર્ણાવતી !


0 comments


Leave comment