35 - યુદ્ધ પછી / રઘુવીર ચૌધરી


કેમ હું અહીં નથી ?

બુધ ને ગુરુ દીઠેલ પૂર્વમાં
જે પછી સમાઈ ગયા સૂર્યમાં.
શ્વેત શ્વેત આભ, રેત,
લાગતો ઉદય મનેય હાથવેંત.
સર્વને કહું કશુંક તે ક્ષણે
આંખથી ઊડું અહીં તહીં પણે
પાંખ ડૂબતી લહું છું બારણે.
કોણ એ ભૂલું પડેલ રેતના રણે ?

રેતની શીશી સરે
ને હું બહાર,
ક્યારનાં જુએ છે રાહ શૂન્ય દ્વાર.
બેટ પર ઊભો હજી હું એકલો
પૂછતો મને હતો કે દ્વાર ક્યાં ? દ્વારકાં - -

ઓટના તરંગ આવજો કહે
બંસરી કદંબડાળમાં રહે,
હું સમક્ષ થાઉં સૂર્યની - -
અરે, અસહ્ય તાપવર્ષણ,
હું નથી કે આ ન સૂર્ય,
જોઉં છું સુદર્શન.

૧૯૭૧


0 comments


Leave comment