0 - રાજસ્થાન / રઘુવીર ચૌધરી


વગડે વગડે ઝાડ ટચુકડાં
ક્યાંક હોય તે પાન વિનાનાં ઝૂરે.
ડુંગર ડુંગર ભૂરા કોરા
ઝરણ વિનાનાં પથ્થરિયાં મેદાન,
વસેલાં ખૂણેખાંચરે ગામ.

સૂર્યના ખુલ્લા એ આકાશમહીં
નિજ છબી વિનાની ફ્રેમ નીરખતું,
જુગ જુગનો નિર્વેદ જીરવાતું,
પ્રશ્ન વિનાનું ચિત્ત હોય ત્યમ
નિયત શાન્તિમાં પ્રસર્યું રાજસ્થાન.

ઊંટનાં સ્તબ્ધ રૂંવાં શું ઘાસ,
ઘાસ પર વરસી આવે રેત,
રેતનો રંગ ઊંટની પીઠ ઉપર
ને આંખોમાં પણ ફરકે એવો.

હરતાં ફરતાં જરાક અમથાં કાન માંડતાં
મરુભોમનો શોક સાંભળી શકો તમે પણ.

માણસના ચહેરા પર જાણે
ઊંડી લુખ્ખી રેખાઓમાં
એકમાત્ર ભૂતકાળ વિકસતો,
નથી હવે ઇતિહાસ એમના હાથે....

બધી પરાજય ખંડિયેરના કણકણમાં ઊપસેલો દેખો.

મીરાંબાઈએ છોડેલા મંદિરની
વચ્ચે જ્યોત વિનાનું બળે કોડિયું.
દેશદેશના મૃગજળ જેવી કોક પદ્મિની
જૌહરની જ્વાળાઓમાં સૌભાગ્ય સાચવે.

મારા ગામે ભાગોળે બેઠેલા
ધીરે હુક્કો પીતા વૃદ્ધો માટે,
પૂજાપાનો થાળ ગ્રહીને જતી કન્યકા કાજે આજે
ઊંટતણી પીઠે લાદીને લાવી શકતો નથી હું રાજસ્થાન.
હવે તો આંખ મહીં એ ટકે એટલું સાચું.

૧૯૬૫


0 comments


Leave comment