40 - શોધ / રઘુવીર ચૌધરી


હું આવ્યો છું
અને અહીં કોઈને ચાહતો ત્ન્હી.
પાછળ મૂકતો આવ્યો છું
એમને, જે ભૂલી જશે મને.

ત્યાં સૂર્ય હતો,
અહીં આકાશ નથી.
ત્યાં જળ હતું,
અહીં રણ છે – અનન્ત
અને સાદ્યંત સપ્રમાણ રણ.

અહીં લિસ્સી ભાવનાઓ વિરમે છે.
આ હું છું, ત્યાં હતું અન્ય.
આ રણ છે, ત્યાં જળ હતું.
જળને રંગ નથી.
રણને ગતિ નથી.
ગતિ વિરાગ છે,
સ્થિતિ વિરંગ.
વિહંગ છે જ નહીં

હા, છે – એક કાળું શાહમૃગ
દિગંતથી ડોક લંબાવીને
મારા સંભ્રાન્ત રણદ્રીપમાંથી
કાચી લહરીઓ ચણે છે.
અને ત્યાં દક્ષિણ ક્ષિતિજ પર બેઠેલો સફેદ મોર
દીર્ધ પિચ્છકલાપને ખંજવાળતી વેળા
ખરી પડતા ઊંધા પીંછાને જોવા જતાં
વચ્ચે વચ્ચે મુજ વ્યસ્ત દ્રષ્ટિને
પોતાની રિક્ત આંખોમાં શોષી લે છે.
ત્યાંથી આપન્નસત્વ અશ્રુ ખરશે ખરું ?
અને ખરે તોપણ પેલી મરીચિકામાં ને ?

મારી ક્ષણો માળો શોધે છે.
પામ ક્ષિતિજ પર કશું નથી.

આકાશ નથી સૂર્ય વિના –
અવકાશ છે – નિરાનંદ :
અર્થમુક્ત અવકાશ.
કશું જ નહીં તેથી સઘળું.
હું આવ્યો તો હતો
પણ અહીં તો
આ અન્યભાવે ઊપસતાં પદચિહ્ન સિવાય કશું નથી.
રણ અને હવા !
સૂર્ય આવે તો કહેજો કે
હું મારા અન્યને શોધું છું.

૧૯૬૪


0 comments


Leave comment