57 - આર્દ્ર પંથે / રઘુવીર ચૌધરી


તારા વિદાય-સ્મિતની મધુ લાલિમાએ
રંગ્યો મને, સુરખી મત્ત સ્ફુરી રગોમાં,
ચાલ્યો ઉમંગભર એકલતા ભૂલીને.

--જાગી તૃષા નીરખવી તુજને ફરીથી :
આકંઠ તૃપ્ત થઈ સ્વસ્થ ગ્રહું જુદાઈ,
આ માર્ગ પે ફરી નથી અવ આવવાનું.

પાછી વળે નજર હું ક્ષણ સ્થિર થંભું
ત્યાં તો પ્રકંપ મૃદુ અંતર ઊર્ધ્વ વ્હેતું
આંખો થકી, સતત દર્દ ઢળે ધારા પે.
--દ્રષ્ટિ થકી ચહી રહું તુજ અશ્રુ લ્હોવા,
ઢાંક્યું તહીં વદન મેં જ દીધા રૂમાલે,
ને વેદના વરસતી, વળું આર્દ્ર પંથે.

૧૯૬૨


0 comments


Leave comment