5 - અનુનય / રઘુવીર ચૌધરી


પૃથ્વી ઉપર ખીલેલ પહેલી વાર
પારિજાતની છાયા તળે બેસું, જરી ધીરાં પડો.

આ સુહાગણ ચાંદનીમાં ચરણથી છૂટાં પડી
પગલાં વિવશ તાકી રહ્યાં, પાછાં ફરો.

એ અનોખા ગર્વથી ઉન્નત ઉરોજોને
નિકટભાવે નવાજું સ્વપ્નનું ચંદન ધરી,
તિર્યક્ નજરની દીર્ધ પાંપણ પર રચું
મારા અનાહત પ્રેમની મુદ્રા,
પરાજય પ્રેરતાં તવ લોચનોમાં
રાત શંકાની બધી બીડી દઉં
મુજ હોઠથી, ઊંચે જુઓ.

આ તૃષાતુર રેતકણને
તવ મુલાયમ ને કુંવારા સ્પર્શથી સ્પંદિત કરું.
આ કિનારાને મળેલા કાયમી અંતર મહીં
મૂંગા તમારા શ્વાસની ઉષ્મા સુંવાળી ફેરવીને
આપણાં બે વૃક્ષ વચ્ચે રિક્ત વહેતા
કાળને રોકી દઈ મારી અધૂરી અર્ચના પૂરી કરું,
આવો નિશિગંધા સમાં ભારે નિબિડ આશ્ર્લેષથી
ઝૂકી પડો.

૧૯૬૪


0 comments


Leave comment