47 - પોતાને / રઘુવીર ચૌધરી


મારા તટવર્તી ગામની રેતીનો રંગ
ઊપસી આવ્યો છે આજે સાબરમતીના જલમાં
આ વહી જતા અષાઢને જોયાનો આનંદ
મારે તે છુપાવવો કે કહેવો ?

જઈ રહ્યો છું ઇમારતને ઓથે
જ્યાં મળી મળીને વીસરવાની
રીત સહજ છે સહુને.
તેથી તો વિસામણ કે આ સહજ આનંદ
મારે તે છુપાવવો કે કહેવો ?

કહું પોતાને ? સંભળાશે ?
સંપર્ક તૂટી ગયો છે આ સવારથી.
વિષાદના નશામાં આખેઆખો એક હતો

ઓછાયો શો :
કેવળ સ્થળમાં, સમયની બહાર સુખી હતો.

પણ વળી પાછું આ જુદું જુદું જીવવાનું
આવી પડે તો
ફરી ફરીને યાદ આવે વીતેલો સમય,
ન વીતેલી સ્મૃતિ.
અને જરાક અમથું પણ લાગી તો આવે જ.
જોઉં છું : કહેવાય તો કહીશ
સહેવાય તો સહીશ પોતાને.

૧૯૬૯


0 comments


Leave comment