76 - રણકાર / રઘુવીર ચૌધરી


રણકે પાયલ રાનવેરાને.
ઘેઘૂર મારાં લોચન અને કને વનરાઈ જુગજુગની આવે
ઝૂમતી આજે કોઈ અદીઠા જોબનગાને.....રણકે.

નેતરને વન સરતો સમીર નાદ બનીને
આવતો, મારી શમતી આંખે રૂપનાં વલય જાગે.
કેવડિયા અંધારની માદક સુરભિ ઠરે,
રોમે રોમે સતત એના ઝમતા અણુ વાગે.

ડૂબવા લાગું ભીતરમાં હું છેક સરીને મૂળમાં
ગળી જાઉં ને આવું રંગ બનીને છલકું પાને પાને.... રણકે.

આંગણ એનું મહેકે ભીની ધરતીથી, લયરેખ
બનીને વહેતો રહે નીલમનીલાં ઝરણાંનો આનંદ.
સકળ જગત, ક્ષિતિજની આ પારનાં ભવન ભર્યાં
ભર્યાં આવે ઋજુ સ્વર બનીને રચવા મારો છંદ !

ઉગમણા એ રૂપની પાયલ દૂર છતાંયે અંતરિયાળે
એનો આ રણકાર ભરી દે મુજને સાવ અજાણે....રણકે.

૧૯૬૫


0 comments


Leave comment