54 - ઝરુખો સ્વપ્નનો / રઘુવીર ચૌધરી


ઝરુખો મુજ સ્વપ્નનો ખૂલે
ખીલતી ત્યાં સહુ વેદના-કળી:
સરિતા જતી ધૂમ્રસેર શી
અકળાતા કણ શ્વેત રેતના.
દૂઝતા તટ ભીતરે ધીરે
ઝરતી પાંપણ દ્રુમની ઢળે.
તણખા સળગેલ કોતરે
વલખે સ્તબ્ધ હવા હલાવવા.

તલસે નયનો કપોતનાં
જલધારા તણું શીત, નીંદમાં.
થથરે ઋજુ પુષ્પપાંદડી
ઊતરી ભીતર કીટ કોરતો.
અહીંઆં હજી કોઈ આવશે
તૃણ મૂંગાં ધરી કાન જાગતાં.

૧૯૬૩


0 comments


Leave comment