3 - તમસા – પ્રસ્તાવના / ભગવતીકુમાર શર્મા


શ્રી રઘુવીર ચૌધરીની કવિતા :
‘ખંડિયેર તળેનો મુલાયમ સ્વર’

‘સૃષ્ટિના સમ્પર્કના પહેલા દસકાથી જ શબ્દને લયબદ્ધ કરવાની લીલામાં કેમ પ્રવૃત થવું હશે એનો કોઈ સકારણ ઉત્તર મળતો નથી.’ શ્રી રઘુવીર ચૌધરી તેમના આદ્યાપિ પર્યન્તના એકમાત્ર કાવ્યસંગ્રહ ‘તમસા’માં પ્રાસ્તાવિકમાં આ પ્રમાણે કહે છે. એમાંથી એક પગેરુ મળે છે અને તે એ કે કવિતા એટલે ‘શબ્દને લયબદ્ધ કરવાની લીલા’ એવી વ્યાખ્યા – વિભાવના એમના મનમાં સ્થિર થયેલી લાગે છે. આમાં ‘શબ્દ’, ‘લય’ અને ‘લીલા’ એ ત્રણેય શબ્દો કવિતાના સન્દર્ભે પોતપોતીકું મહત્વ ધરાવે છે તે સ્પષ્ટ છે. ‘તમસા’ની બીજી સંવર્ધિત આવૃત્તિમાં ‘એમની પોતાની મમતા કવિતા તરફ વિશેષ’ એવું શ્રી રઘુવીર વિશેનું પરિચય-સૂત્ર મુકાયું છે. ‘તમસા’ની પ્રથમ આવૃત્તિ ૧૯૬૭માં અને બીજી સંવર્ધિત આવૃત્તિ ૧૯૭૨માં પ્રગટ થઈ, જેમાં ૧૯૬૧ થી ૧૯૭૧ સુધીની સાલના ઉલ્લેખ ધરાવતાં કાવ્યો છે, કે સૂચવે છે કે શ્રી રઘુવીરની કવિતા-સરવાણીનું વહન નિદાન એક દાયકાનું છે, આજે રે મંદ પડ્યું હોય તોયે કવિતા તરફની શ્રી રઘુવીરની ‘મમતા વિશેષ’ વિષે આપણને ફરિયાદનું કોઈ કારણ નથી.

શ્રી રઘુવીરની કવિતા મુખ્યત્વે છએક પ્રકારોમાં વહી છે, જે બધા જ આપણા પ્રચલિત લાવ્યપ્રકારો છે : કટાવ-ગુલબંકી-મનહર-વનવેલી-હરિગીત આદિની વ્યસ્ત – પરમ્પરિત ચાલોમાં – ટુકડાઓમાં લખાયેલાં, અછાંદસ, સંસ્કૃતવૃત્તબદ્ધ, ગીતો અને ગઝલો તેમ જ થોડાંક મુક્તકો. આમાં વૈપુલ્ય વ્યસ્ત – પરમ્પરિત ચાલો – ખણ્ડોની રચનાઓનું છે. તે પછી અછાન્દસ આવે. કવિ લેખે એમની જે કાંઈ સિદ્ધિ છે. તે મુખ્યત્વે આ બે પ્રકારોમાં વર્તાય છે. સંસ્કૃત વૃતબદ્ધ કાવ્યો, લયાત્મક રચનાઓ તથા ગઝલોનું વ્યાકરણ – વિજ્ઞાન તેઓ જાણે છે ને તેમાં ક્યાંક ક્યાંક તેમનો કવિસ્પર્શ અનુભવાય છે, છતાં એ પ્રકારોમાં એમની કાવ્યસિદ્ધિનો વિશેષ પામતો નથી.

સાઠના દાયકાના આરંભે જયારે શ્રી રઘુવીર કવિતાક્ષેત્રે પગભર થવા લાગ્યા ત્યારે ગુજરાતી કવિતા ઉપર એકસામટા ઘણા પ્રવાહોનો પ્રભાવ હજી પથરાયેલો હતો. નિરંજન, નલિન, હસમુખ, પ્રિયકાન્ત તથા ઉત્તર-રાજેન્દ્ર કવિતા – પ્રવૃત્તિનો પ્રભાવ હજી ઓસર્યો ન હતો. અછાન્દસ કવિતાનું વહેણ સ્થિર અને માન્ય થવાને આરે હતું; ઉશનસ્, જયંત પાઠક મુખ્યત્વે સૉનેટ – કૌશલ દ્વારા પરંપરાગત કવિતાને પુરસ્કારતા હતા; રાવજી-મણિલાલની ઇન્દ્રિયસંતર્પક ને કૌતુકરાગી કવિતાનો છાક પણ ધીમે ધીમે અનુભવવા લાગ્યો હતો; આદિલ આદિ ગઝલનાં બાહ્યન્તરને બદલવાના પુરુષાર્થમાં પ્રવેશી ચૂક્યા હતા; અનિલ-રમેશ આદિનાં લયવિલોલ ગીતોનું આકાશ ઊઘડવાનું મુહૂર્ત ઢૂકડું હતું; આવા સન્ધિકાળે શ્રી રઘુવીરની કવિતાનો ઉદય થયો તે નોંધપત્ર છે. આમાં શ્રી રઘુવીરની કવિતા ઉપર વિશેષ પ્રભાવ નિરંજન-નલિનાદિનો વર્તાય છે. એમની સંસ્કૃત-પ્રચુર કાવ્યબાનીમાં ઉત્તરરાજેન્દ્રનો આછેરી છાયા છે અને એમની વતન-પ્રીતિ એમને રાવજી નિકટ આણે છે, અને છતાં શ્રી રઘુવીર કવિતામાં સ્વકીય મુદ્રા ઉપસાવવા પરત્વે સભાન છે એ તો સ્પષ્ટ જ છે. એમની વિદગ્ધતાએમાં એમને ખપ લાગી છે. એ વિદગ્ધતા એમની કવિતા માટે બોજરૂપ પણ બની નથી. પરન્તુ તેને દ્વારા તેઓ ઇતિહાસ, સંસ્કૃતિ, મૂલ્ય આદિના સન્દર્ભો સાથે ગૂંથાયેલા રહે છે. શ્રી રઘુવીર સંવિત્તિના કવિ છે, સૂક્ષ્મ સંવેદનાના કવિ છે. એક કાવ્યમાં તેઓ કહે છે : ‘વરેણ્ય હે, સંવિતસેતુ માગું’. એમની સંવિત્તિ એક તરફ એમને એમના વતનમાં વિતાવેલા શિશુ-જીવનની સ્મૃતિઓથી વારંવાર અભિભૂત કરે છે, તો બીજી તરફ ‘ઇતિહાસ, પરમ્પરા, સંકૃતિ, મૂલ્ય ‘તમસા’ની ચર્ચામાં પ્રસ્તુત બનશે’ એમ જે એમના પરિચયમાં કહેવાયું છે તેને યથાર્થ ઠેરવતાં સંદર્ભલક્ષી કાવ્યોની રચના પ્રતિ અભિમુખ કરે છે. શ્રી રઘુવીરની યુગ-ચેતના કદાચ નિરંજન કે હસમુખ જેટલી તીક્ષ્ણ નથી – ખાસ કરીને અભિવ્યક્તિ પરત્વે. ‘કોઈને કંઈ પૂછવું છે ?’માં કે ‘આટલાં ફૂલો નીચે ને આટલો લાંબો સમય ગાંધી કદી સૂતા ન’ તા’માં હસમુખ સાદી, બોલચાલની કાવ્યબાની દ્વારા જે લક્ષ્ય વીંધે છે તેવું શ્રી રઘુવીરની કવિતામાં બહુ બનતું નથી, છતાં શ્રી રઘુવીર ઉક્તિ – સુક્તિના કવિ છે. ‘તમારા હોવાનો જ અભાવ / દીસે આ અંધકાર’; ‘આ સમય સૂર્યનો પડછાયો / ને સૂર્ય સમયનો ચહેરો’; ‘પવન શા પુરાતન અમે, / પુષ્પ સમા ક્ષણિક ને સૌરભભશા ચિરંતન’; ‘બદ્ધ અસ્તિત્વને / વેદનાનું ઋત ક્યાંથી હોય ?’; ‘એકલતા મુક્તિ નથી, / રિક્તતા તો ક્ષણજીવી’ એવી ઉક્તિઓ આ કાવ્યોમાં આવતી જ રહે છે. શ્રી રઘુવીર વસ્તુત: ઓછાબોલા કવિ છે. લાઘવ એમનાં કાવ્યોનો એક મોટો ગુણ છે. શબ્દોનો ખડખડાટ, ભીડ ને ધક્કામુકી એમાં ગેરહાજર છે. અતિશયોક્તિ – ભાવની કે અભિવ્યક્તિની – થી તેમની કવિતા મુક્ત છે. અભિનિવેશ પણ નહિવત્ છે. ઘણુંખરું તો પંડ સાથેના સંવાદમાંથી એમની કવિતા નીપજી હોય એવી છાપ પડે છે. એમાં સૂક્ષ્મ લાગણીમાયતા છે, પણ લાગણીના આભઊંચા ઉદ્રેકો નથી. સાંપ્રત વિષમતાઓને સન્દર્ભીને ક્યારેક તેઓ આક્રોશ ઠાલવી દે છે ખરા, છતાં એકંદરે બધું સુસમતોલ, સ્વસ્થ લાગે છે. આધુનિક નગર-જીવન પરત્વેનો એમનો અસંતોષ અને અરુચિ વર્તાઈ આવે છે છતાં, તેમાં કટુતા ઘણી ઓછી છે. તારસ્વરે તેઓ ભાગ્યે જ બોલે છે. સંદર્ભો અને અલંકારોના એમણે ખડકલા ન કરતાં તેમનો વિવેકપૂર્વક વિનિયોગ કર્યો છે. એમની કવિતાને સ્વાભાવિક રીતે જ, માણસમાં રસ છે – પણ એ માણસ પ્રાગૈતિહાસિક હોય, મધ્યયુગીન હોય, વતનગામની પ્રસન્ન પ્રશાન્તિમાં વસતો હોય કે નગરજીવનની વિષમતાઓમાં શ્વસતો હોય, મધ્યકાલીન જીવનપરિવેશ એમનાં કાવ્યોનો એક મહત્વનો સંદર્ભ બને છે. એના પ્રત્યેની એમની વિષાદભીની મમતા અવારનવાર પ્રગટ થતી રહે છે. ‘રાજસ્થાન’ એમનું જાણીતું કાવ્ય છે. એમાં તેઓ ત્યાંની રુક્ષ પ્રકૃતિ, પથ્થરિયાં મકાનો આદિનું વર્ણન કરતાં
‘જુગ જુગનો નિર્વેદ જીરવતું
પ્રશ્ન વિનાનું ચિત્ત હોય ત્યમ
નિયત શાન્તિમાં પ્રસર્યું રાજસ્થાન’
એ પંક્તિઓમાં એ વિષાદસિક્ત મમતા ઠાલવે છે.
‘માણસના ચહેરા પણ જાણે
ઊંડી લુખ્ખી રેખાઓમાં
એકમાત્ર ભૂતકાળ વિકસતો,
નથી હવે ઇતિહાસ એમના હાથે....
બધો પરાજય ખંડિયેરના
કણકણમાં ઊપસેલો દેખો’

અહીં પણ વિગતનો વૈભવ અને વર્તમાનની વેદના આકારિત થઈ છે.
વ્રજભૂમિ સાથે કવિઓ મુખ્યત્વે માધુર્ય અને રસિકતા સાંકળતા આવ્યા છે, પણ શ્રી રઘુવીર વ્રજની વર્તમાન અવદશા જોઈ તેને ‘જોજનલાંબો સૂનકાર’ કહે છે, ભૂતકાળમાં જે કશુંક અતિસમૃદ્ધ, વૈભવશાળી હતું તે સાંપ્રતમાં ખોવાઈ ગયું છે. એ એમનાં કાવ્યોનું ધ્રુવગાન છે, જે ગ્રામપ્રાન્તરના શૈશવથી નગરવાસના સાંપ્રત સુધી વિસ્તરેલું છે. વ્રજભૂમિના સંદર્ભમાં કવિ જયારે એમ કહે છે કે ‘કોક કામળી, કોક બંસરી, કો અધૂરું ગાન.... / બધું ગયું વીસરાઈ, એકલું ટકી રહ્યું વેરાન’ (પૃ.૯) ત્યારે તેમનો સંકેત માત્ર વ્રજભૂમિની ભૂગોળ પૂરતો મર્યાદિત રહેતો નથી તે સ્પષ્ટ છે.

‘મધ્યયુગ’ શીર્ષકના એક અલગ કાવ્યમાં તેમણે ‘જીર્ણ નગરના કોટકાંગરે’ પથરાયેલો ‘કેસરિયો અવકાશ’ જોયો છે. નગરો મહાકાળના ઓછાયામાં શમી ગયાં છે. અને છતાં ખંડિયેરની ઈંટ નીચે મુલાયમ સ્વર અટવાઈ રહ્યો છે – હજી છેક દબાઈ ગયો છે નથી. શ્રી રઘુવીરની કવિતામાં પણ જીવનનાં ખંડિયેરોની નીચેના મુલાયમ સ્વર સાંભળવા મળે છે. તેઓ સમયને કોક ચોતરે બેસીને ગાથા સંભળાવતા ચારણના રૂપમાં જુએ છે. જીવનને તેઓ જ્વાળામુખી નહિ, પણ ‘વ્યતિતનો પીરામિડ’ એ શબ્દોથી ઓળખાવે છે. એ પીરામિડમાં આચારસંહિતનાં ભૂર્જપત્ર, અલંકૃત, સિસકારા, મધુવન, મહાલયો, મિનારા, સંગેમરમરમાં કંડારેલાં સંસ્મરણો, કર્ણપ્રિય અવાજો – એ બધું સંચિત છે. તે જ્વાળામુખી નથી જ નથી – હોય તો ક્યારેક પણ તેનો વિસ્ફોટ થઈ સર્વનાશ – ને તેમાંથી નવસર્જન થવાની આશા – શક્યતા રહે; આ તો પીરામિડ, જેની હેઠળ બધું જ અકબંધ છતાં નિશ્ચેતન; એમાં નવસર્જનની આશા કેવી ?

રચાતા જતા ઇતિહાસની વેદના અને આક્રોશથી રવરવતી ક્ષણો એમની પાસે ‘કાલિમંદિર, કલકત્તા’, ‘ઇચ્છામતીને તીરે’ અને ‘દાવાનળ’ જેવી રચનાઓ કરાવે છે. જેમાં અનુક્રમે કાલિમંદિરમાં થતા પશુવેધે પ્રેરેલા ઉદ્ધેગ, બંગલાદેશના સંઘર્ષ – સંહારે જગાવેલી વેદના અને કોમી રમખાણોએ પ્રગટાવેલા અજંપાનું નિરૂપણ છે. જ્યાં પશુવધ થાય છે તે કાલિમંદિર વિષે તેઓ ‘મંદિર ઉપર મુઠ્ઠી મુકું, ચૂંટું, લઈ મસળું / અને હુગલી મહીં ફેંકી દઉં, દરિયો ઉછાળું....’ જેવો કે કોમી અશાંતિ ભાળી ‘હવે તો જ્યાં સુધી એ / ઈશ્વર અને અલ્લા / રામ અને રહીમ જેવાં / બેવડાં નામ ધારી ધારીને / મને વિભાજીત કરતો રહેશે / ત્યાં સુધી હું એના વિના જ જીવીશ’ જેવા આક્રોશપૂર્ણ ઉદ્દગારો કાઢે છે.

તેઓ ઇતિહાસ કરતાં માણસને ઊંચો સ્થાપે છે. તેમની ઝંખના પ્રાગૈતિહાસિક માણસને ઓળખવાની છે, કેમ કે ઇતિહાસ એટલે તો

‘વ્યાપક ભ્રાન્તિ, કેવળ ભ્રાન્તિ’ (પૃ. ૬૮ ‘તમસા’ )
કવિ ઇતિહાસ સાથે ઉચિત ધૃષ્ટતાથી વાત કરે છે ! માણસે તો ઇતિહાસની વિરુદ્ધની દિશામાં જ ગતિ કરવા પુરુષાર્થરત રહેવું જોઈએ એવા તેમના મંતવ્યમાં ઘણું બળ છે.

ઈશ્વર પરત્વે પણ તેઓ કવિને ઉચિત તટસ્થતા, નિર્ભ્રાન્તિ અને આત્મશ્રદ્ધાથી વાત કરે છે. તેને પડકારે છે.

‘સૃષ્ટિના આરંભ પહેલાં / હું ઈશ્વર હતો’ અને ‘હું ધારું તો હજી પણ ઈશ્વર થઈ શકું’ (પૃ. ૭૦)
પંક્તિઓ તેની દ્યોતક છે. તો પછી મનુષ્યને ઈશ્વર બનવામાં મુશ્કેલી નડે છે ?

‘પરંતુ એ પહેલાં
આ બંધ દીવાલો, જાળિયાં, પડદા, કાચ –
આપણી વચ્ચેનાં તમામ અંતરપટ તોડીને
આપણે એકબીજાના વિશ્વનું ઉદ્દઘાટન કરવું ઘટે,
આપણા ઉચ્છવાસોમાં રહેલા હેજથી
રચાતા સેતુબંધ નડે.’ (પૃ.૭૦)

વળીવળીને કવિ આ બિન્દુ પર ઠરે છે : ‘તો ચાલો / આપણે બ્રહ્માંડના વાસરકક્ષમાં મળીને / એકબીજાના આંતરિક વિશ્વનો ઉત્સર્ગ / શક્ય બનાવીએ.’ (પૃ.૭૧)

શ્રી રઘુવીર વિદગ્ધ, બૌદ્ધિક, ચિન્તનપ્રિય કવિ છે તે એમનાં કાવ્યોમાંથી વારંવાર પ્રતીત થાય છે, પણ એમની બૌદ્ધિકતા કોરા તર્કની સપાટી પર ન વિહરતાં સંવેદન સાથેના તન્તુને સતત જાળવે છે. સ્વની શોધ એ બધા સાચા ચિન્તકોની જેમ એમની કવિતાનું મુખ્ય લક્ષ્ય છે. ‘ते ही नो दिवसा गता: (પૃ. ૭૪) માં ભવિષ્યને તેઓ દ્રષ્ટિથી પીંખાઈ ગયેલી હોવાથી તેની વાત છોડવા – છુપાવવાનું તેઓ કહે છે. કવિ આપણી સમક્ષ ઘણા વિકલ્પો મૂકે છે : વિસ્મૃતિ વેળા, તે પછીની નીરવતા અથવા નિર્વેદ, નહિતર વિલય – સર્વનો –

‘કેમ કે આપણે ન હતા તે પૂર્વે હતા
અને જે હતું તે હવે નથી.’

કવિનું ઉક્તિસામર્થ્ય ‘આપણી લંકા તો બબ્બે વાર / સળગી ચૂકી’ જેવી પંક્તિઓમાં પ્રગટતું રહે છે. કવિની છાતી પરથી વિષુવવૃત્તીય રેખા પસાર થાય છે, અર્થાત્ ત્યાં અનહદ ઉષ્ણતા છે, પણ તેને નમવાની તેમની તૈયારી નથી. વેદનાની એ આગનો તો સામનો જ કરવાનો હોય. ‘હું આવ્યો છું / અને અહીં કોઈને ચાહતો નથી. / પાછળ મૂકતો આવ્યો છું / એમને, જે ભૂલી જશે મને’ જેવી ઉક્તિઓ દ્વારા સોંસરવો આઘાત પણ આપી શકે છે. તો ‘હું આવ્યો છું’ પાછળનું કવિનું પ્રયોજન શું છે ? શોધ. એમની ક્ષણોને માળાની શોધ છે. પણ ક્ષિતિજ ઉપર માળો તો શું, કશું જ નથી; આકાશ છે, પણ સૂર્ય વિનાનું. આથી જ કવિ અંતે રણ અને હવાને ઉદ્દેશીને કહે છે : ‘સૂર્ય આવે તો કહેજો કે / હું મારા અન્યને શોધું છું.’ સ્વની શોધ આમ સ્વમાં વસતા અન્યમાં પ્રવૃત થાય છે.

એ સ્વ અને અન્ય ઉભયને શૈશવકાળના વતનગામ તથા સાંપ્રતના નગરવાસમાં કવિ વારંવાર શોધે છે. શ્રી રઘુવીરની કવિતા આ બે અંતિમો વચ્ચે ઝૂલતી રહે છે અને એ હિલ્લોળમાંથી જ એમને ‘વેદનાનું ઋત’ પ્રાપ્ત થાય છે. વેદનાને તેઓ પ્રેમનો પર્યાય લેખે છે. (‘આપો અમને અધિક વેદના, એ જ આપની પ્રિતી’ પૃ. ૧૧૮) વેદના અને તજજન્ય ઋતના મધ્યબિન્દુ શા ગામને તેઓ નગરમાં તાણી લાવ્યા નથી; તે તો મૂંગું મૂંગું ભાગોળે આવીને અટક્યું’ એમને થાય છે કે ‘જાઉં દોડતો પાછો ?’ વેદનાની ક્ષણ અહીંથી આરંભાય છે. શૈશવ – સ્મૃતિઓ અવશપણે ધસી આવે છે :

‘કાંઠે કાંઠે પગલીઓ કૈંકેટકેટલી
એકમેકમાં ભળી ગયેલી બાળભેરુની
ગયા અષાઢે તણાઈ ગઈ શું એકસામટી ?’

નગરને કવિ ‘ઘૂસર’ કહે છે ને ઘૂસર નગર તેમના દેહમાં અણુઅણુ થઈ વ્યાપ્યું છે. (એક લઘુકાવ્યમાં તેઓ કહે છે : ‘મેં ખેતરમાં મન વાવ્યું / ને / ઊગી આવ્યું નગર.’) આ નગરસંસ્કૃતિમાં તો હસ્તધનૂનનો કેટલો બધો મહિમા ! પણ અનેક હાથે ‘કેવળ મળીમળીને’ એમની પોતાની હસ્તરેખાઓ છેક ઘસાઈ ગયેલી છે. એ રઝળતી રેખાઓમાં શૈશવના એકેય સ્પર્શનો અણસાર ન રહ્યાનું કવિને દુઃખ છે. એમની તો આખી વણજાર ડૂબી ગઈ છે – અને તે મૃગજળમાં. કવિ પાછા ગામ ચાલ્યા જવા ઈચ્છે છે, પણ ‘એક અણદીઠ વેદના’ એમને રોકે છે. એ વેદનાને એકલતાએ સતેજ રાખી છે ને તે નિસ્સંગ ભીડના લયમાં ભળી ગઈ છે, કવિની દ્રિધા આ છે :

‘_આજે ત્યાં આ મુગ્ધ જગત શું હશે સલામત ?
ત્યાં જઈને હું સંગરહિત નહિ હોઉં ?’

કવિનું દર્દ આ છે. એ કવિથીયે મોટું છે ને એ જ એમની પ્રાપ્તિ છે. કેડી ગુમાવીને તેઓ ‘શતપથ’માં પ્રસર્ય ને ગામ તો હજી ભાગોળે અટકેલું છે.

એ વેદના અને તેનું મૂળ પછી વધારે સૂક્ષ્મ, સંકુલ બને છે. ગામના વિરહની ભૂમિકામાં કવિ અસ્તિત્વ સાથેના વિચ્છેદ સુધી પહોંચે છે. અંધકાર એટલે શું ?કોઈકનો અભાવ. એ આવા અંધકારમાં કવિ પોતાનાં સમયને છિન્નભિન્ન થતો અનુભવે છે. એ અંધકાર અને મૌન ભિન્ન નથી. એની સાથે ભૂતકાળનું અનુસંધાન છે. પછી કવિને સમય સૂર્યના પડછાયા જેવો અને સૂર્યમાં સમયનો ચહેરો વર્તાય છે. એ પડછાયાએ યુગોને અને યુગોને વળી નાના નાના યુગોમાં વહેંચી નાખેલ છે. એ સ્વની સાથેનો વિચ્છેદ પણ છે, સમયનું અખિલત્વ ત્યજી નાના સરખા જનમમાં – ભવમાં વસવાનું થાયું તેની આ વેદના છે, આ સમય સાથે એકરૂપતા શક્ય જ નથી; તેના ને આપણા શ્વાસ જુદા છે. One has to bear one’s own crossની ઢબે કવિ કહે છે : ‘ભાર અમારો અમને.’ (‘એક ફલશ્રુતિ’ પૃ. ૩૯) સમયને પામવાનો એક જ ઉપાય હતો : સૂર્ય બનીને તેને નિહાળવો. પણ આપણે સૂર્ય નહિ. પડછાયા છીએ. માનવી એટલે શું ? શાશ્વતી અને ક્ષણિકતાની સહોપસ્થિતિ, તે પવન શો પ્રાચીન, પુષ્પ શો ક્ષણિક અને સુગંધ જેવો શાશ્વત છે. શાશ્વતી કાંઈ ભિન્ન નથી. તે તો ક્ષણમાં જ વસે છે. અહીં કવિ સંદર્ભોમાં સરે છે. રાવણનો તો આખો દેશ જ સમિધ. અને ત્યાં સીતા અગ્નિખોળે. રામ સંશયાત્મા છે તેથી દ્રૈતભાવમાં વસે છે ને ‘દ્રૈત એટલે જ યુદ્ધ’. કવિની વેદનાનો તન્તુ અશ્વતથામા અને એકલવ્ય જેવાં પુરાકલ્પનો સીધી લંબાય છે.

‘અરે, જેણે આત્મવંચના ન કરી
એવો એકે યુધિષ્ઠિર મળ્યો નહીં.
પોતાને મૂકીને કર્યું અન્ય સામે યુદ્ધ !’ (‘એક ફલશ્રુતિ’ – પૃ. ૪૧)

કવિ સાંપ્રતમાં પાછા વળે છે અને નગર-સંસ્કૃતિને ‘ઇમારતી પડછાયાઓનો ભાર કહે છે. ‘સાર્વભૌમ છે અહીં માત્ર ઘૂસરતા’ એવા આ સામ્પ્રતમાં અસ્તિત્વમાત્ર બદ્ધ છે, અને ‘બદ્ધ અસ્તિત્વને વેદનાનું ઋત ક્યાંથી હોય ?’ વેદનાના ઋતની પ્રાપ્તિ કાજેય અસ્તિત્વ મુક્ત હોવું ઘટે.

‘સમયનાં શત શત આવરણ ભેદી
મને વેદના જ લઈ જાય ગૌતમ રાજપથે.
આપણ સહુના ચિર વિરહે ભીતરે
સૌન્દર્ય હે, વેદના હે પ્રેમ. (એક ફલશ્રુતિ’ – પૃ. ૪૫)

પણ કવિ શ્રદ્ધા ગુમાવતા નથી. ‘એકલતા મુક્તિ નથી, / રિક્તતા તો ક્ષણજીવી.’ અહીં તેઓ બીજા આધુનિક કવિઓથી જુદા પડે છે. તેમની આજીજી સીમિતને અખિલત્વ આપવા કાજેની છે. સૂર્ય એ જ મહાશૂન્ય ને તેની જ તેમણે ઝંખના છે. વિશ્વરૂપદર્શનની તેમને તથા નથી; સ્વ-શરણ તેમણે પર્યાપ્ત લાગે છે. એમની અભીપ્સા સમગ્રતા કાજેની છે. મહાશૂન્યરૂપ સૂર્યની સાક્ષીએ શૂન્યરૂપે શમી જવું એ જ એમની અંતિમ ઈચ્છા. જગત એટલે સૂર્ય અને સમયની લીલા, જેમાં અંધકાર નિત્ય નવીન હોય છે ને જીવનની પૂર્ણતાનું તે જ પરાબિન્દુ. સૂર્ય અને મનુષ્યની વચ્ચે અંધકાર પથરાઈ જાય પછી બધું જ અંધકારમય, અને એ અંધકાર એટલે ? કોઈકનો અભાવ, આ કાવ્યમાં કવિની સંવેદના વૈયક્તિક સ્તરેથી આરંભાઈ વૈશ્વિક સ્તર સુધી વિસ્તરે છે ને તેમાં જ તેમનું સત્વ પ્રગટે છે.

‘મોર’ શીર્ષકના કાવ્યમાં (પૃ. ૫૫) ગામને પાદરે એકલવાયા મહુડા વચ્ચે જાગેલા ઘરડા મોરના પ્રતીક દ્વારા કવિએ આ વિશ્વને ત્યજી જવાની જીવમાત્ર માટે અનિવાર્ય એવી ક્ષણનું હૃદયસ્પર્શી નિરૂપણ કર્યું છે. મોરનાં પીંછાં એક પીંછાં એક ખરતાં જાય છે; એક જ પીંછું બાકી રહે છે. છેવટે તે પણ ખરી જાય છે, અને –

‘ત્યાં તો મોર અને બાળકની વચ્ચે
બાળક ને વગડાની વચ્ચે
વગડાની ને વનની વચ્ચે, મનના નવા જનમની વચ્ચે
ટકી રહેલું એ પીંછું પણ અંધારાંથી અજવાળામાં ખર્યું.’

આ જગત સાથેની માયાના અંતિમ તન્તુનેય ત્યજીને જીવમાત્રે અંધારાંમાંથી ઉજાસમાં જવાનું છે એવો સંકેત અહીં કવિએ કાવ્યાત્મક રીતે ઉપસાવ્યો છે.

શ્રી રઘુવીર નોસ્તેલ્જિયાના કવિ છે. એમનો ભૂમિપ્રેમ સ્મરણપ્રેમ થઈ વારંવાર પ્રગટે છે. ‘કવિતા’ (પૃ. ૮૨)માં કવિ ખેતરમાંથી પથ્થરો વીણે છે ત્યારે તેમણે સ્મૃતિરૂપા બાલાનું મિલન થાય છે. કવિ હવે નગરવસી છે અને ખેતરના શ્વાસ પર પથ્થરનો ભાર છે. વળી ખેતરને વાડ છે તેથી સ્મૃતિ જ કલ્પના બનીને બાલા તેમાં શી રીતે પ્રવેશી શકે ? કવિને વાડ નહિ, માત્ર સ્મૃતિ જ ભળાય છે. સ્મૃતિ કલ્પના બનીને કવિની આંખમાં અંજાય છે. અહીં કવિ એકલતાને સંબોધે છે. હવે તેમને પથ્થર વીણવાના નથી, પથ્થર પર ચાલવાનું છે, પથ્થરો વચ્ચે જીવવાનું છે. ‘આ પથ્થરોને વીણી શકાય તેમ નથી / અહીં પથ્થર બન્યા વિના જીવી શકાય તેમ નથી / ....પ્રિયે, હું પથ્થરોથી પરાજિત છું’ (પૃ. ૮૪) આધુનિક પાષણસંસ્કૃતિ સક્ષમના કવિના – એટલે કે સાંપ્રત મનુષ્યના પરાજયની વેદનાનું આ હૃદ્ય છે.

શ્રી ‘ઉશનસ્’ ‘તૃણાના કવિ’ છે, ડૉ. જયંત પાઠક ‘વગડાના કવિ’ છે, પ્રહલાદ પારેખ ‘અંધકારના કવિ’ ગણાય છે તેમ જ શ્રી રઘુવીરને આપણે ‘નદીના કવિ’ કહી શકીએ તેટલી તેમનાં કાવ્યોમાં નદીની સઘન ઉપસ્થિતિ છે. ‘એક સુકાતી મૃત્યુગામી નદી કવિને રહી રહીને દેખાઈ છે.’ એમ ફ્લૅપ તો કહે જ છે; શ્રી રઘુવીરનાં કાવ્યો નીચે લીટી દોરે છે. એમનું સરિતાનુસન્ધાન ‘નદીકિનારે છું / પણ વચ્ચે દીવાલ છે’; ‘જુએ છે કોણ / ડૂબતી નદી ?’ ‘મેં વાવેલાં સપનાં ઊગે નદીકિનારે’; ‘તંદ્રાના પુલોથી સાંધેલા શહેરને વચ્ચેથી ચીરીને / નદી એ અકળાતી નાઠી છે’; ‘દ્વાર ખોલીને પ્રભાત શોધવા / નદીતીરે પહોંચું છું’; ‘આ ભૂમિને અંગાંગ સોંપી દઈને / આ નદીનાં અવાચક શિખરોનો /સ્પર્શ પામતો / કોઈ સતતવાહી નિદ્રાને ઓઢીને / હું પોતાને વીસરી શકું તેમ નથી’; એમ અનેક રૂપોમાં ડોકાતું રહે છે. કવિ દર્પણમાં જુએ છે અને ચહેરાની પાછળ એમની નદી વહેતી લાગે છે. એ નદીની એમની નીંદર પરથી પણ પસાર થઈ શકે છે. શહેરમાં તે લગભગ અદ્રશ્ય થઈ જાય છે, પણ સ્મરણમાં સચવાઈ રહેલ પર્વતની તળેટીમાં તે વળી ઊતરી આવે છે. એ નદીમાં ક્યારેક પૂર આવે છે, પણ મૂળભૂત રીતે તે એક સુકાઈ રહેલી નદી છે.

‘અમે માનવા તૈયાર છીએ કે હજીયે પૂર આવશે
પણ સવારે દીવાલ પાછળથી
કે રાત્રે અધખૂલી આંખે અમે જોઈએ છીએ કે
સુકાઈ રહી છે આ એક નદી
નામે સાબરમતી.’ (‘આ એક નદી’ – પૃ. ૮૭)

આ નદી તેમના ગામ અને અંગાર વચ્ચે સેતુરૂપ છે; જોકે સેતુ તો નદી પર બાંધવો પડે. નગરની સરિતા દ્વારા તેઓ ગામની નદીને પામે છે.

મારા તટવર્તી ગામની રેતીનો રંગ
ઊપસી આવ્યો છે આજે સાબરમતીના જળમાં.
આ વહી જતા અષાઢને જોયાનો આનંદ
મારે તે છુપાવવો કે કહેવો ?’ (પોતાને’ – પૃ. ૯૨)

નદી આમ શ્રી રઘુવીરની કવિતામાં એક સબળ, જીવન પ્રતીક બનીને આવે છે. એક સ્થળે તેઓ કહે છે : ‘મારે તો તટવાસી સ્વભાવ.’ આમ નદી (અને એનો તટ) એમના સ્વભાવનો – બલકે હયાતીનો અંશ બને છે. ‘તમસા’ પણ એક નદીનું જ નામ છે ને ? ‘નમું તને સૂર્ય ! /તમસા નદીને / તીરે સ્ફૂરેલી મુજ આદિ હૈયે / જે અંજલિ વેદનની સમર્પું !’ (પૃ. ૧૦૦) આમ તમસા નદીનું, કવિનું અને કવિતાનું સાતત્ય રામાયણથી સાંપ્રત સુધી અનુભવાય છે. ગઝલોમાં પણ એમની પાસેથી ‘વહેતી નદી ને વેળુમાં પંખી ફર્યા કરે, / જલ જાય છે પીનારને જુઓ પડી નથી’ કે ‘વાયુ મૂકી જતો નદીની કુંજમાં ઉષા, / કોટિ કરોની અંજલિમાં ઊગશે સૂરજ’ કે ‘ઝાંખી પડી છે ધૂળથી પાષણની ચમક, / સૂકી નદી તણી ગતિને પી રહ્યું છે વન’ જેવા શેરો તેમ જ ગીતોમાં ‘હું જૂનો તટવાસી, મારા તટ પર પાછો આવ્યો’ જેવી પંક્તિઓ મળતી રહે છે.

શ્રી રઘુવીર કવિતા આમ, પ્રત્યેક સાચા કવિને શોભે તે રીતે, વેદનામાંથી ઉદ્દભવી છે; એ વેદના આદિમ છે – કહો કે અનાદિ – અનન્ત ને તેથી શાશ્વત છે. એ વેદનામાંથી ઋત પામવાની કલા તેઓ દાખવી શક્યા છે. તેમાં વિષાદનું મન્દ્રસપ્તકીય ગાન છે; લોહીલુહાણ નિર્વેદની ચીસ નથી. એમાં આધુનિક સંપ્રજ્ઞતા, યુગ – ચેતના, બૌદ્ધિક વિદગ્ધતા અને મૂલગામી, આંતરિક માનવીય સમસ્યાઓનું ચિન્તનલક્ષી આકલન કરવાનો યત્ન છે; આડબીડપણું, ઊફરાપણું સન્દર્ભ-બોજ, વાદોનાં વળગણ, ફૅશનનાં લેબલ કે લેબલોની ફૅશન આદિ, તેમણે, કદાચ, સભાનપણે, ટાળ્યું છે. એમની કવિતા સ્વ સાથેના સંવાદમાંથી જન્મી છે ને એ સંવાદ બહુધામૌન છે. તેમાં ઉદ્રેક ઓછો ને આયોજન વધુ જેવો ઘાટ છે, જેથી તેમાં ઠાવકાઈ, સમીકરણો, ટાઢશક્યારેક અનુભવાય છે. પણ જેમાં અંતર્નિહિત ઉષ્માનો અભાવ નથી. કવિ વારંવાર નદીની વાત કરે છે, ને એ સુકાતી જતી નદી છે એમ સ્પષ્ટ કરતાં રહે છે. એમની કવિતાની નદી એ પ્રલયપૂરથી રમણે ચઢેલી જોબનવન્તી સરિતા નથી એ સાચું, પરન્તુ તે ક્ષીણકાય સુધ્ધાં નથી, કેમ કે ગુપ્ત ગંગાની જેમ તેના પેટાળમાં કવિના ઋતની અક્ષુણ્ણ ધારા વહે છે. સંવેદન અને સચ્ચાઈના બે કિનારાઓ વચ્ચે શ્રી રઘુવીરની કાવ્ય-સરિતા વહે છે – મિજાનસર.

‘વિવેચન’ જુલાઈ-સપ્ટે. ૧૯૮૨ -
ભગવતીકુમાર શર્મા


0 comments


Leave comment