59 - બીજલેખા / રઘુવીર ચૌધરી


બારી બિડાઈ અડધી, પડદા પરે કો
ટકી રહ્યાં મુકુલ બે મધુમાલતીનાં.
તે બેઉ મધ્ય અવકાશ ઉદાસ પૂછે
બે નેત્રના નિયત અંતરનું રહસ્ય --

ડૂબી ગયેલ ચમકે તહીં બીજલેખા
ને ઊતરે સરિતના તરુકુંજ-કાંઠે.
સ્પર્શે જલાર્દ્ર લહરી, અધરોષ્ઠ મુગ્ધ
અન્યોન્યને નિકટની ઋજુતા સમર્પે.
નર્તે સુદીર્ધ નયને રતનાર રંગ,
શું વક્ષભાર તણું ગૌરવ એ ઉછંગે !
ઐશ્વર્ય ત્યાં ગગનમાં વિલસે વ્રીડાનું,
શાખા ફરી ફરી ઝૂકે, મલકે સુપર્ણા.

ને સાંધ્યકાલ સરકે, નતનેત્ર બેઉ
કંપી રહ્યાં મુકુલ એ મધુમાલતીનાં

૧૯૬૪


0 comments


Leave comment