67 - કેનેડાની હત્યા પછી / રઘુવીર ચૌધરી


આકાશ આજ આટલું ઉદાસ કેમ છે ?
મેં વાત એમની ખરી ક્યાંયે કરી નથી.

વહેલી સવારથી સહુ પંખી મૂંગાં રહ્યાં,
શાખા ગતિ બધી હવાની પી ગઈ નથી.

વહેતી નદી ને વેળુમાં પંખી ફર્યા કરે,
જલ જાય છે પીનારને જુઓ પડી નથી.

મારી નજર અનેકનો પીછો કરી શકે,
આજે સૂરજ ગયો અને પાછી વળી નથી.

સૃષ્ટિને વેદના મળી હતી તે ક્યાં ગઈ ?
તારો તૂટી ગયો અને ધરતી ધ્રૂજી નથી.

૧૯૬૩


0 comments


Leave comment