37 - ઉત્સર્ગ / રઘુવીર ચૌધરી


હું તમને બોલાવી લાવ્યો છું.
મારામાં એક બૃહદ્દ વિશ્વ અટવાઈ રહ્યું છે.
તમે જરા વધુ ઉદાસ ન થાઓ ?
મારે તમારી સાથે વાત કરવી છે.

સૃષ્ટિના આરંભ પહેલાં
હું ઈશ્વર હતો.
ઈશ્વરનો અશ્માવતાર થયો ન હતો.
નાના-મોટા ઈશ્વરો લડતા ન હતા.
હુ ધારું તો હજી પણ ઈશ્વર થઈ શકું.
પરંતુ એ પહેલાં
આ બંધ, દીવાલો, જાળિયાં, પડદા, કાચ –
આપણી વચ્ચેનાં તમામ અંતરપટ તોડીને
આપણે એકબીજાના વિશ્વનું ઉદ્દઘાટન કરવું ઘટે,
આપણા ઉચ્છવાસોમાં રહેલા હેજથી
રચાતા સેતુબંધ વડે.

તમે આમ ઊંઘી જશો !
આ યોજના સારી છે.
એનાથી આપણું મિલન વહેલું થશે.
અન્યથા આ રીતે ખરતા તારાનો
સ્પર્શ ન અનુભવી શકતા અવકાશની જેમ
વેદનાશૂન્ય થઈ જશો.
તમારા અપાર ખનીજના હૃદ્ય વિસ્ફોટ
જમીનના ચહેરા પર વ્યક્ત નહીં થાય.
હું નિશેષમાં નથી માનતો.
તેમ જ નિષેધ બાબતોનું ફૌરવ નથી કરતો.

મુલાયમ અંધકારમાં
પ્રકાશનાં રૂવાંનો તરવરાટ જોવામાં
મને ખુશી ઊપજે છે.
ઉદયગિરિના શિખર પર બેઠેલા યુગો
મારી વિચ્છિન્ન ક્ષણોને નોતરે છે.
પણ તમે કેમ બહાર આવેલા આંસુની
અસહાય ચિત્તવૃતિથી
જગતને જોવામાં મગ્ન છો ?
તમે ગતિના નિયમોથી આતંકિત લાગો છો.
સ્થિતિને ન અવગણો.
ક્ષિતિજોને નિયમન માનો છો ?
એ તો દ્રષ્ટિની અદૂરદર્શિતાથી રચાય છે.
કેટલીક આંખોને ક્ષિતિજો દૂર હોય,
અતિશય દૂર હોય,
નિરતિશય દૂર હોય
અર્થાત્ ક્ષિતિજો ન પણ હોય.

તો ચાલો
આપણે બ્રહ્માંડના વાસરકક્ષમાં મળીને
એકબીજાના આંતરિક વિશ્વનો ઉત્સર્ગ
શક્ય બનાવીએ.

૧૯૬૩


0 comments


Leave comment