18 - એક ફલશ્રુતિ -૨ ઉપસ્થિતિ / રઘુવીર ચૌધરી


આ સમય સૂર્યનો પડછાયો
ને સૂર્ય સમયનો ચહેરો.

પડછાયે પડછાયે ચાલ્યા
અમે આટલું,
ચહેરાને ઓળખવાનું તો દૂર...
અમે અમારા પડછાયાથી
વ્હેંચ્યા યુગને
એક એક યુગમાં પણ નાના
અનેક યુગનો
એકમેકથી કરી શક્યા વિચ્છેદ.
અમારા એકમાત્ર રૂપની સાથેના
અમે ભોગવ્યા
જુગજુગથી વિચ્છેદ.
કદમ કદમ પર પથ્થર મૂક્યા,
ઠેર ઠેર ઘર-ગામ.
વગડે વગડે લખી લીધું જે
અમે અમારું નામ,
નામને ખાતર છોડ્યું
જન્મ સમયનું દર્દ.
દર્દ જે જુદાઈની યાદોમાં
આપે સાથે, વિસાર્યું.
અને આખરે
ખંડિયેરનું મૌન બની
એ જીવ્યું.
જીવ્યું જુગજુગ કેરી જુદાઈનું
એ દર્દ,
સમયના પડછાયામાં ઝબકે આછું,
રહી સૂર્યથી દૂર.

આ સમય સૂર્યનો પડછાયો
ને સૂર્ય સમયનો ચહેરો.

કેટકેટલા જન્મ મેળવ્યા
એક અખંડ સમયમાં !
સમય થકી જ્યાં છિન્ન થયાં કે
વસતા નાના ભવમાં.
ભવભવનો જે સમય
ઉમેર્યો અમે સમયમાં.

અને ભવોભવ માગ્યો
જુદો સમય સમયથી.
કિન્તુ, જોયું સદા રહે છે
સમય સમયનો સમય.
રૂપ અમારાં, શ્વાસ સમયનો.
અર્થ અમારા, શૂન્ય સમયનું.
નથી શૂન્યને ભાર અમારો.
ભાવ અમારો અમને.

હા, જો સૂર્ય બનીને
અમે નિહાળ્યો હોત સમયને –
કૈંક હાથમાં આવે એવો સમય.

દીસે આ સમય સૂર્યનો પડછાયો
ને સૂર્ય સમયનો ચહેરો.


0 comments


Leave comment