14 - ભારવિની અંતિમ પ્રતીતિ / રઘુવીર ચૌધરી


હું હવે અર્પણ કરું તમને સહુને આજ
મારી જે બધી વિસ્તીર્ણ છાયાઓ અહીં.
રે કેટલો અંધાર સાથે સાચવીને ફેરવ્યો !

આપણું આવાગમન આજે પ્રમાણું અંતરે.
આ વૃક્ષની છાયામહીં શો વિસ્તાર્યો સંવાદ !

સાંભળું શૈશવ ચમકતી
પૂર્વથી આવે ધવલ કિલકારીઓ !
જે ભૂખરું એકાન્ત મારી છત્રછાયામાં રહ્યું
તે સંમુખેના શૈલનાં સુક્કાં શિખરની મધ્યમાં
પઘડાઈને તૂટી ગયું.
આ કર્ણમૂલે સ્પર્શવા આવો તમે પદરવ સહુ !
ત્યાં કુંદકળીઓની ધવલ સૌરભ પ્રિયાએ
આજથી મૂકી દીધી છે.

તો હવે ચહેરા વિના પણ પ્રેમને
મહોરા વિનાની આંખ મળશે,
ને નમેલી આંખની દ્રષ્ટિ
ફરકતા રજકણોને નહિ છુપાવે.
નજરના મુખને ઢાંકો નહીં.

તમારું સત્ય મારાથી નથી નાનું.
તમે પણ સાંભળો –
ખરતા ખખડતા ને કહીં વડવાઈના
માળા મહીં અટકી ગયેલા પર્ણનો
જે બંધ થઈ ગયો છે ધ્વનિ !
તેને હવે પડઘા નથી.
અર્પણ કરું છું સમયને
મારા ખખડતા નામના પડઘા.

પાનખરની વાડ સૌ સળગી ચૂકી,
આજે નવી કુંપળ કરે સંકેત ત્યાં
હું આપની સામે અહો ઝૂકી ગયો !
ઓ દૂરગામી પંથનાં વૃક્ષો !
હું હવે અર્પણ થયો.

૧૯૬૫


0 comments


Leave comment