45 - અવાજ / રઘુવીર ચૌધરી


આંગણે આવીને
અટકેલું એ રૂપ જોતાં જ
કળીમાં બંધ સુગંધ
પ્રગટવા લાગી.

નીલવર્ણી ઝાડીમાંથી
ગળાઈ ગળાઈને
આવતું ઝરણું
મને ઓળંગીને
જવા લાગ્યું.
ત્યાં ઢળેલી આંખના ઉજાસમાં
ને અમુખર સ્મિતની સાક્ષીએ
પ્રગટ થયો એક શબ્દ.

શબ્દ....
એનો અર્થ
મારા પૂર્વપરિચિત અસબાબમાં,
સાજમાં, સ્થિર થયો
ને અવાજ આકાશે ફેલાઈને
તરતો ઓસરતો તરતો રહ્યો.

પછી તો
માત્ર તરતો ઓસરતો
તરતો અવાજ....

૧૯૬૮


0 comments


Leave comment