10 - અન્વસ્થા / રઘુવીર ચૌધરી


બધિર-ઇન્દ્રિય મારો યુગ.

તેજોન્મુખ કળીઓના અંતસ્તલે આવિર્ભૂત
અંધકારે પેટાવી છે કીકીઓના ચેતસમાં
સૂર્ય પ્રતિ શૂન્યાદિષ્ટ સૂગ.

ધ્વનિ બની બિસતંતુ વિસ્તરે,
ન અનુભવી સ્પર્શ મારાં કર્ણમૂળ ત્રસ્ત,
યંત્રે યંત્રે સાંધાઓમાં પિસાય છે વ્યસ્ત.

કુસુમોની મુલાયમતાનું ઋજુ ગીત
સુણી લેવા ઉદ્યત લેખીનીજડ અંગુલીઓ
જીર્ણ પત્રપુંજમાં રૂંધાઈ રહે નિત્ય.

ગતિશીલ સુરખીનો સંમોહક રંગલોક
શ્વાસવાને આતુર હૃદય પણ
દિશાહિન નેત્રોના નેપથ્ય મહીં અટવાય.

વિમોહિત સંવિતને કોરી રહી ઉદાસીન પળો,
પ્રતાડિત ચેતનાને ચડી રહ્યા નિર્મોહના થરો,
સમયને માણી રહું સ્વાદ-મુક્ત.

અનવસ્થ ઇંન્દ્રિયોની અખિલાઈ.

૧૯૬૩


0 comments


Leave comment