43 - તે પહેલાં / રઘુવીર ચૌધરી


ઘાસનાં નાનકાં ફૂલોની ઝૂલ નીચે
નિરાશ્રિત પવન ઊંઘી ગયો.

કપાસનાં કાલાંમાંથી ધસી આવેલી
ધવલતામાં બાલકિરણોની સહજ સંતાકૂકડી કોઈને
ભોંઠો પડેલો અંધકાર
ખરેલાં પાંદડાં નીચે ભરાઈને જુદો રહ્યા.

ઘેટાંના ટોળાની ઊજળી ભોળાશ
પાંગરેલા મેદાન પર ફેલાઈ ગઈ.
બાજરીના વાવેતરમાં.
ઊંચા વધીને અવાજ કરતા જુવારના છોડવાઓને
ખેતર ચણવાનો અવાજ કર્યો.
શેઢા પરની ધરો સુકાઈ ગઈ
એ મેં જોયું.

તે પછી મારા ગામની સીમની
ઊંડી આંખ જેવી તલાવડી સુકાઈ ગઈ,
એટલું જ નહીં, આકાશમાંથી પંખી ખર્યું
અને વડવાઈ ધ્રૂજી નહીં.
તે જ દિવસે એક ખિસકોલી
વડના પાંદડેથી સરકીને સડક પર પડી.
હું ખાતરી કરત પણ બધાંમાં દોરવાઈ ગયો.

માતાએ આપેલા હૃદયને દેશવટો મળે
અને મારા વિચારોને કરચલી પડે
તે પહેલાં મેં ઘર બદલ્યું.

૧૯૬૪


0 comments


Leave comment