34 - મૃગજળની બે પ્યાલી / રઘુવીર ચૌધરી


મૃગજળને મારગ ઓ પેલાં
દોડ્યાં પાછાં માયાવી હરણાંને રોકો.
મોરપીંછની છાયામાં મેં
ઢાંકીને મૂકેલું મારું વનરાવન
લઈ નાઠેલાં હરણાંને રોકો.
ખાલી ઉરમાં રહી ગયેલી
સૂકાં ઝરણાંની જે આછી છાપ –
બધે ફેલાવા લાગી, રોકો.

હું કોને કહું છું : રોકો ?
આજ લગીનો અવાજ મારો ક્યા કાનમાં ગૂંજયો ?
લંબાયો આ હાથ, હર્ષ એ ક્યા સ્પર્શમાં ફરક્યો ?
ઊર્ણનાભની જાળ આપણા સંબધો તો
રોજ અવેજી આપણ સહુ ભરીએ પોતાની
મારી શી મગદૂર તમોને રોકું ? ટોકું?

સંબોધનની આદત આ તો
માનીને સંવાદ, બોલવા લાગું.
વર્ષોથી જો પડ્યો ન સામો સાદ
આજ કાં માગું ?

હું મૌન બનીને મારામાં અકબંધ રહ્યો ના,
હવે વિમાસું. આભાસોનાં વર્તુળમાં
સચવાયેલા સંદર્ભો સઘળા ઊડી ગયા છે.
પડી રહ્યું છે દૂર ક્યાંક એ મોરપીંછ માયાવી.

નજર કરું ત્યાં ખાલી આંખો
બની જાય છે મૃગજળની બે પ્યાલી.

૧૯૭૧


0 comments


Leave comment