77 - વેદના / રઘુવીર ચૌધરી


આપો અમને અધિક વેદના, એ જ આપની પ્રીતિ.

એક સળગતો ખંડ આગનો
ઊંડે અવિરત બળતો.
નયન સુંવાળું રંગ-આવરણ
ઓઢીને ધગધગતો.

ભમું રિક્ત અવકાશ, સ્પર્શની તરસ ગઈ છે વીતી.

રાખ ફૂંકતો રહું, આપ કાં
ધુમ્મસ થઈને આવો ?
મધુર મધુર આભાસ રચીને
મને બુઝાવવા ચાહો ?

વરસો ચાહે હિમ, દાહમય મારી નિત્ય પ્રતીતિ.
આપો અમને અધિક વેદના, એ જ આપણી પ્રીતિ.

૧૯૬૪


0 comments


Leave comment