27 - પછી તો હું મળીશ નહિ / રઘુવીર ચૌધરી


વાપીને કિનારે મારે અંધકારે
સામી પાર જીર્ણ પગથારે
સ્મૃતિશેષ સમયમાં જાગતા ઓથારે
ઊતરતા અવાચક વિસ્તરે ફેલાઈ જવાનું હોય છે
ત્યારે હું મળી જાઉં છું મને.

રુદ્ર મહાલયનાં તોરણથી રે
મૃગજળમાં ઓગળતા મિનારા સુધી
પદચિહ્ન વિનાની કોઈક ગતિ
દોરી જાય છે મને અહેતુક,
દૂર દેશે ભસ્મથી પંખી રચતા પ્રાણ
સ્ફૂરે છે ત્યારે અહીં મંત્રોચ્ચારે
નિકટના ગગનમાં પ્રતિધ્વનિત થતાં થતાં
હું મળી જાઉં છું મને.


વળી પાછી પરાજિત હૃદયની કોઈ અલિખિત કથા,
અંતરાલે એની ક્યારેક અસ્ફૂટ વ્યથા,
વેદના પ્રભાવતી એ તમસાને
હશે મારી ક્ષીણધાર સાબરમતીની તથા ?
હું તો અહીં સૈકતસંગ ઊછરતો નગરજન
પારકી ગતિએ હરીફરીને
પાડી વેઠો ભાષામાં જ જીવવાની પ્રથા.
ક્યાંથી મળું અન્યને ?
કોઈ ગલીના વળાંકે મળી જાઉં છું ગઈ કાલના મને.

આ છિન્ન વિચારો
નથી ને રચી બેસે ઉચ્છવાસ;
વેરાન ચિત્તમાં ઊગી આવશે ઘાસ,
વાદળ છવાઈ જશે વતનની આસપાસ,
સાગર ઓળંગતા પંખીને લોભાવશે
સરોવરના વિશદ જળે સંચિત ઉજાસ,

તો તો હું પ્રસરીશ અનાયાસ ઝમીશ જલધારાઓમાં,
લહીશ કશોક આભાસ,
સ્મૃતિદેશે ઊઘડશે આછા આછા પરિચિત ચાસ,
પછી તો હું મળીશ નહિ, ભળી જઈશ.

૧૯૬૯


0 comments


Leave comment