15 - વિપ્રયોગ / રઘુવીર ચૌધરી


પારિજાતથી સૌરભના સંપર્ક થકી
તવ નિત્ય મુલાયમ કપોલને
મુજ આશુતોષ અંગુલીઓકેરો સ્પર્શ,
સ્પર્શથી સમયમહીં અરુણાઈ છવાતી,
અધરસંપુટે ચમકે શી અભિજાત વારુણી !

અલકા નગરીના પ્રાંગણના પદ્મપુકુરમાં
કળી કળીની પાંદડીઓ પર વિસ્મયનો અણસાર.
સ્વપ્નની સૌરભનું શું ઘેન !
ઘેનમાં અયુત વર્ષની નિદ્રાનું સંધાન લહ્યું
મેં અયુત વર્ષની નિદ્રાનું સંધાન.


હિમશિખરોની નિશામહીં અલસાતા ઘેરા
અંધકારને યાદ કરીને જોયા તારા કેશ.
શબ્દરહિત સરકી ચાલેલાં ઝરણ સમા
શા ચંચલ ચંચલ કેશ ! –
ખેસવી જોવા ચાહું વદન
તહીં તો પાછળથી પ્રગટેલો સૂરજ
તને હરીને ચાલે, મારી એક દિશાનું
આભ હરીને ચાલે, તું તો હિમશિખરો પર
મારે કાજે મૌન મૂકીને ચાલે.
આજે અયુત વર્ષને અંતે તારી છાયા
પાછી આવે, કેવળ છાયા.
છાયાથી શું વળે, હવે હું ધુમ્મસ જેવો,
સંગ સમયની ભળતો જોતો.
નિરાકાર અવકાશ બની વિસ્તરતો
કેવળ વિપ્રયોગ છું.

૧૯૬૬


0 comments


Leave comment