55 - રત્નાવલીનો પત્ર / રઘુવીર ચૌધરી


વિષાદમય ક્રોધનું ગરલ આંખમાં ઊતરે :
‘વિડંબન તમે કરો પ્રણયનું’ કહું છું અને
વિદાય થઈ જાઓ શાન્ત, તજીને મને સર્વથા.
વિસામણમહીં પડેલ નયનો પછી છલબલે,
વિમૂઢ ખડી હું અને નિરવ આભ જોતું રહે,
ઝૂકેલ ઘન અંધકાર મુજ અશ્રુમાં ઓગળે.
સમસૃષ્ટિતણી લાજથી પ્રણય મેં ગુમાવ્યો, હવે
ગુમાવી રહી છું મને જીવનથી, ગયાં જ્યાં તમે.

વિષાકત નજરે હું ક્ષુબ્ધ મુજને જ શાપી રહી.
જલે સતત વર્તમાન, સ્મૃતિ ધૂમ્ર શી રૂધતી.
અરણ્યમય સંસૃતિ, હું સૂનકારના ગર્તમાં
ઉપેક્ષિત જનોનું દર્દ વિસરાયલું પી રહી.
સમન્વય-સુધા થકી વિષમ સૃષ્ટિ સંતર્પશો
તમે, હું અવહેલના મુજથી જે થઈ શેં ભૂલું ?

સદન-છતને ઓઢી બેઠી, તમે નભની નીચે,
વિગત દિવસો પાછા લાવી રચું સ્મૃતિ-પીંજરું,
મુજ સકળને તેમાં પૂરી અજાણ જાગે ફરું,
તુલસીચરણે સર્જ્યાં, ચિહ્નો જડે પથની વચે :
ગરમ કણ રેતીના ઊડે, સૂકો પટ વિસ્તર્યો.

તૃષિત મુખ પે પૃથ્વી કેરા સરે નદી અશ્રુ શી,
અડગ કદમે પાસે ઊભા યુવાન પ્રતિ ખસી
જલકણ પછી ઉછાળી, તે જરીક ન ભીંજવે ?

સઘન વનના છાના ખૂણે તમે દ્રગ ફેરવો,
વ્યથિત જગને આનંદે તે અનાગત કલ્પના
રવિકિરણના તાજા સ્પર્શે સ્ફુરે તવ ઉર, ત્યાં
કુસુમ કરમાયું દેખા દે છૂટી પડી વેલનું.

ગગન-ધરતી વચ્ચે ઝૂરે વીલી મૂક વાદળી
વરસી ન શકે વ્હાલા ! એ શું તમારી પરે કદી ?

૧૯૬૨


0 comments


Leave comment