17 - એક ફલશ્રુતિ – ૧ અ-ભાવ / રઘુવીર ચૌધરી


તમારા હોવાનો જ અભાવ
દીસે આ અંધકાર.
આ અંધકારમાં
ટક ટક આવે અવાજ જેમાં
અનુભવું હું પળપળમાં વીખરાતો
મારો સમય.
સમયને પહેલાંથી બાંધી ઊભેલા
ચોગમ જૂના અંધકારમાં
તરલ સભરતા પામું.
આવે મૌન ગગનનું નીચે.
સઘળે ખળ ખળ વહેતા
નીલ મૌનમાં
આછેરા લહેરાય
ઓસરી આભાના અણસાર.

ઓસરે આભના અણસાર.
મૌનમાં ભળી જાય અંધાર.
આખરે ભૂતકાળ શું શાન્ત
બને છે ભવન.
બનેલા ભૂતકાળ શા શાન્ત ભવનમાં
લાખલાખ અણજાણ બિડાયાં દ્વાર.
પૂર્વની આછેરી ઓળખ જેની
તે દ્વાર ખૂલે,
અવકાશ રચે.
શો એ ગમનો અવકાશ !
હવા નિજ કોમળ કોમળ કંપિત
સ્વરમાં કહે –
‘નકારોનો જ અહીં વિસ્તાર.’
સદા જ્યાં પંથ ભૂલેલાં પંખી શોધે
છાયાને, નિજ છાયાનો
જો મળી જાય સથવાર.
આવતું ઉંબર સુધી કોઈ
ન જાને મારે દ્વારે છાયા એની
પડી હોય ત્યમ નિરખી લેતું,
પાછું ચાલ્યું જાય ક્ષિતિજની પાર.
પછી તો આરપાર છે સમય
સદા જે રહે અવાચક,
કરી શકે નિસ્સંગ સકળથી,
એકલતા આપીને
ધીરે ગજવે વીસર્યો રાગ.
આગિયા ઊડે ઊંડા અંધકારમાં,
ઝબકે, ઝબકે
રહી રહી ભંગુર સપનાંની પાંખો.
ઊંડે દૂર દેખતાં દેખું
જાણે : વનરાવનમાં વિકલ રાધિકા
પર્ણકુટિરને દ્વારે ઝૂકી
મંદ દીપકની સહાયથી
શો અડાબીડ ઓથાર ખાળવા ચાહે !
મારો અડાબીડ ઓથાર !
તમારા હોવાનો જ
અભાવ
દીસે આ અંધકાર.


0 comments


Leave comment