42 - કવિતા / રઘુવીર ચૌધરી


મને ખેતરમાંથી પથ્થર વીણતો જોઇને
એક વિરતગતિ બાલાએ કહ્યું –
‘પ્રવાસી ! આ કામ પૂરું થાય તેમ નથી.’
પથ્થરની આકંઠ ઢગલી પર
નજર ટેકવીને મેં પૂછ્યું –
‘દેવી તમે કોણ ?’

‘એક કવિની સ્મૃતિ.’
....મેં મારા તરફ નજર કરીને
ખાતરી કરી લીધી કે હું છું કે નહીં
ત્યાં તો સમુદ્રનાં ઉદગ્ર મોજાની જેમ
આગળ વધીને,
એમની છાયાના પ્રાન્તર સુધી પહોંચેલા
વિસ્મયને રોકીને હું બોલ્યો –

‘શ્રાવસ્તીના સ્વર્ણાભ સરોવરને તીરે
વિનત હંસયુગલની મંથર લીલા
જોઈ રહેલા,
હવાની એક લહેરખી થંભી જતાં
નિકટના નેત્રવનમાંથી અનાહત સ્વર સુણી
દીક્ભ્રાન્ત બનેલા, ત્રસ્ત થયેલા
અને કીર્તિનાશાને કિનારે
ન જાગવા આવેલાં એ કવિને
પ્રથમ અશ્રુની અંજલી આપતાં
મેં જેમનું નામ લીધેલું એ જ તમે ?
‘મારે વળી નામ ? તમે કોણ છો યુવક ?’
‘હું નગરવાસી છું.
દેશાન્તરે નીકળેલો એક પથિક,
શ્રમિત લોચને અહીં સૂતેલો,
મધ્ય રાત્રિએ હાથનું ઉશીકું કરી
આકાશ નીરખતો,
આંખમાં કોટિ તારકોનું પ્રતિબિમ્બ
ન સમાતાં પાંપણ ઓઢીને
સ્વપ્નમયતામાં સરી ગયેલો,
એક વિદાય પછી પુનર્જન્મ પામેલો,
કોક આવે તો જાઉં એમ માનીને
પ્રાત:કાળથી પથ્થર વીણવા લાગેલો.
હવે હું જાઉં, તમે આવો દેવી !
તમારી દ્રષ્ટિમાં સૂરજના, આદ્ય કિરણની
ઉષ્મા છે. તમે આવો, આ ખેતર એકલું છે.
એના શ્વાસ પર પથ્થરોનો ભાર છે.
તમે આવો, હું....’
‘હું કેમ કરીને આવું ?
આ ખેતર તો વાડથી સીમિત છે.’

‘ક્યાં છે વાડ ? મને તો તમારાથી અન્ય
કશું દેખાતું નથી.
મારી સંમુખે દિશા પણ સૌદર્યશેષ થઈ ગઈ છે.
વાડ નથી, એ તો ક્ષિતિજ હશે, -
તમારી છાયા, એ નહીં રહે,
તમે આવો.’
‘ના હું અહીં આવું, તમારે જવું પડે !’

અને એ બાલા કલ્પના બની ગઈ.
આંખોમાં એની છાયા આંજીને
હું નગરમાં આવ્યો છું.

હૃદયમાં ધબકતું એનું સ્વપ્ન
મારા રુધિરમાં અભિસાર કરે છે.

અંધકાર પણ એની છાયા બનવા પામતાં
ઉલ્લસિત લાગે....તો હું એનું નામ
કેમ ન શોધું ?
ઊભી રહે એકલતા, હું આવું.
અહીં હું પથ્થર વીણતો નથી.
પથ્થર પર ચાલું છું.
પથ્થર પર ઊંઘું છું.
પથ્થરો વચ્ચે જીવું છું.
આ ખેતર નથી.
અહીં વનલતા ઊગી શકે તેમ નથી.
અ પથ્થરોને વીણી શકાય તેમ નથી.
અહીં પથ્થર બન્યા વિના
જીવી શકાય તેમ નથી.
વનલતા ! એકલતા ! કવિતા !
પ્રિયે ! હું પથ્થરોથી પરાજિત છું.

૧૯૬૫


0 comments


Leave comment