6 - શેક્સપિયર : ચાર વેદના / રઘુવીર ચૌધરી


સમયને રોકો, કોઈ રોકો,
જરા ચાર સદી ઉથલાવી ઉલટાવી દઉં.
આપણા એ ચિરંજીવી વ્યતીતને અગ્રતાએ મૂકી લઉં.

ચાર ચાર મૃત્યુ જેણે વૃદ્ધ થયા વિના એક અવતારે અનુભવ્યાં:
પૂછું એને- જીવનને વિશે ક્યો શબ્દ તવ છેલ્લો ?

શિશુ જેમ સાંભળી લે
કિન્તુ નવ વાચા પર આકારાય એવો
એકેએક શબ્દ લાગે વારંવાર પ્હેલો.

પરિમિત ભાગ્યવાળા માણસની અબાધિત આકાંક્ષાઓ –
કાળાંમેંશ સપનાંના પડછાયાભર્યું મન –
ચૂડેલોની વ્યાવર્તક રંગભૂમિ.
મનુષ્યના પ્રેમી રક્તતણો એક ડાઘ
હથેલીથી ઊખડતો નથી, એને
ભૂંસવાને અરબનું નહીં ફક્ત –
અપૂરતું પાંચે ખંડતણું હોય અત્તર આજેય.
પ્રાયશ્ચિત પૂરતું નથી જ નથી.
પંથ પર ચાલવાને પ્રેરનાર
સંવિતનો અવિશ્રાન્ત દીવો
બુઝાયો કે અનિર્ણિત દૂરત્વના સંભ્રમમાં પડો.

પારદર્શી પ્રેમ વચ્ચે અસૂયાનો અન્ધકાર
પરોવીને, સુનેરી ભવિષ્ય અને
એક માત્ર સ્વર્ગતણું સમુત્પન્ન શિલ્પ
તમે અંતગર્ત દુરિતના ડંખ થકી વિખંડિત કરો,
આશંકાની તિરાડોમાં ભીંસ અનુભવો.

જીવવાનું નહીં, માત્ર હવા જેમ હોવું,
વિચારો શું બરડ ને નજર શું ભીનું,
વિકલ્પોના ઉષ્ણ કરા નીચે ચાલવાનું,
અતલ એ શૂન્યતામાં હતું તેય ખોવું.

અવાકને અવગણી ઉચ્ચારોમાં સઘળુંય પામનાર,
વાચાતણી સુમંડિત મરીચિકા જોઈ,
બની આશુતોષ અરણ્યને સમર્પણ કરનાર,
સ્વયંસૃષ્ટ સંમોહને કબૂલાવી
નિજનાંની પ્રતારણા સહ્ય બાદ
ક્ષત-શીર્ણ અંતરનું અવશિષ્ટ છિન્ન કરી, ચીરી ચીરી,
યશ લિપ્ત માર્ગ પર વેચનાર માણસને
દિશાતીત વ્યાપમહીં જોઈ શક્ય કવિ !

કેટલાંક માણસોની નહીં, એક માનવની
વેદનાના પ્રસ્ફુટિત સકલ આ કોષતણી
ગ્રહી શક્યા સાર્વભૌમ છવિ, જેમાં
શબ્દ બ્હાર મુકાએલા અતિરિક્ત લાવણ્યથી
નિજ કથા ગોપવેલી.
હૃદયનું નિખિલ ને નિખિલના હૃદયના તારે તાર
ખેંચ્યા વિના બજાવેલા.
દ્રષ્ટિમહીં સમાવિષ્ટ : પાતાળોની સુપ્ત ભૂમિ.
બ્રહ્માંડોની અસંલક્ષ્ય નિહારિકા,
માણસમાં અધિષ્ઠિત માણસો ને
જલ,મહીં અઢીકાંશ ડૂબેલી જે હિમશિલા.

- આકાશની આંખો થકી પૃથ્વી જાણે ન્હોય !

૧૯૬૪


0 comments


Leave comment