81 - ચીલો / રઘુવીર ચૌધરી


સાવ અજાણ્યા ગામને પાદર બારમાસીનો છોડ ઊગેલો.
ઘેરથી ખેતર કાનિયો જતો વાડને છીંડે થઈને વહેલો.

નીકને નાનાં પગલાં કૂદે, પાળથી ફૂટે જળનો રેલો,
છાનોમાનો છોડ એ પીતો જોઈને થતો કાનિયો ઘેલો.

જાગતો એવો આવતો, પાતો ખોબલો છલોછલ ભરેલો.
ઘંટ પડ્યે એ ઘેર જતો ને જાય હવે નિશાળમાં છેલ્લો.

સાંજના કહ્યું કાનમાં : ‘ચંદા, હાલ જો મારો છોડ ખીલેલો.’
બેઉ ધમાધમ દોડતાં આવે કાનિયે જોયો છોડ પડેલો.

ધૂળથી ભારે પવન વાતો, સૂરજ રાતોચોળ નમેલો.
‘કોણ છૂંદી’ગ્યું છોડ રૂપાળો ચંદા, મારું એક ઢેખાળો.’

‘વાવશું કૂંડે છોડવો નવો રડ ના કાના, સાવ શું ઢીલો !’
ઓળખ્યા વિના ઘેર ગયાં એ ઊપસેલો મોટરનો ચીલો.

૧૯૬૪


0 comments


Leave comment