79 - કંપાવી કોક ગયું / રઘુવીર ચૌધરી


રાતા કરેણની ઝૂકેલી ડાળ પે
નાનેરું ખંજન બેઠું ફરી.
જાગેલી કળીઓનાં ઊઘાડતાં પોપચે
પીળું પતંગિયું આવ્યું ચડી.

ઊભી થઈ આંખમાં વીતેલી સાંજ ને
કીકીમાં ઊંડેથી ચટકી કીડી.
ધરતીની ખારી ભીનાશ મહીં ઓગળે
ઊડતી પળોની પાંખો ખરી.

લીલી ધારોની લાલ રગરગમાં અટવાતી
તાજા ઝાકળની ખરતી ગતિ,
મારા ઉરમાં ઊભા ખડકોની છાયાને
કંપાવી કો’ક ગયું આજે જરી.

૧૯૬૪


0 comments


Leave comment