87 - શ્રાવણમાં / રઘુવીર ચૌધરી


શ્રાવણમાં ભીંજાતો જાય રે સમય.
વાદળમાં ઊડે કપૂર-પૂર
તોય એને લાગેરે ડૂબવાનો ભય ?

જલના અવાજ થકી ગાતું ગગન
જલ ઝીલીને રણકતું વન.
રોમ રોમ હર્ષ જોઈ નદીઓને તન
મત્ત ઝીંકાતો જાય રે પવન.

જીવી જરઠ થયો યુગોથી
સાવ, તોય ભૂલે સમય નિજ વય.

વાદળ, આ જાય પેલું આવે ને
છટકે તો છટકે લઈ કોનો રે સંગ ?
ઊભો એ નીતરતો સઘળે ફેલાઈ
એને બાંધી દે મેઘધનુ-રંગ.

કેવો મજબૂર પેલી પાંદડીએ
રોક્યો છે બતલાવી હૈયાનો લય.

૧૯૬૪


0 comments


Leave comment