71 - સૂરજ / રઘુવીર ચૌધરી


સૂરજ મને સદાય મળે છે રહી સૂરજ,
મારા ઉદય અનેક આથમ્યા, જુએ સૂરજ.

બેઠો અઢેલી વ્યાસપીઠ હું તરુતળે,
દોરી જતો ક્ષણેકમાં તપોવને સૂરજ.

વાયુ મૂકી જતો નદીની કુંજમાં ઉષા,
કોટિ કારોની અંજલિમાં ઊગશે સૂરજ.

ઊંચું ગગન હજીય ઊંચું જાય, ભલે જાય,
દ્રષ્ટિને દૂર દૂરથી જણાય છે સૂરજ.

છોડી જઈશ જયારે વાયુયાનમાં ધરા,
મારી ગુફાનું આંગણું બતાવશે સૂરજ,

હું જાઉં અન્ય તો જ આવશે અને જશે,
સૃષ્ટિમાં કદી હોય એકસાથે બે સૂરજ ?

નાહક ઉલેચતા એ અંધ ભોંયરામાં ભેજ,
વેરે ન જેમતેમ પ્રતિબિમ્બને સૂરજ.

દેખાય છે ઘણુંય મને જે નથી છતાં,
જાણું – ગગન નથી, પરંતુ હોય છે સૂરજ.

૧૯૬૪


0 comments


Leave comment