62 - બે વૃક્ષ / રઘુવીર ચૌધરી


બે વૃક્ષને લાવી નજીક, છાંયને
કેમેય હું એક કરી શક્યો ના.

ઓ ચાંદનીશૂન્ય નિદાઘ-સ્વપ્ન,
આ પર્ણ સર્વે રવહીન ઝૂરે,
એકાંત બે, ચોકથકી વાઢીને
શાં ડાળડાળે પ્રસરી ગયાં છે !

ઊડી ગયાં બાળ વિહંગ તે પછી
જે રિક્તતા નીડમહીં છવાઈ છે,
રહેતી નિહાળી અહીંથી જનારને.

ઊભા રહી, અંતર દુર્નિવારને
મેં ભેદવા યત્ન કર્યો, પહોંચ્યો
વચ્ચે તહીં તો અવકાશ ઊમટ્યો,
ઘેરી વળ્યો શીઘ્ર મને અડાબીડ.
અંગાંગમાં જાગી રહ્યો અનિશ્ચય.

અનિશ્ચયે ત્રસ્ત, રહું નિહાળતો,
ક્યાંથી જગાવું નવરંગ મૌનમાં,
જે વિસ્તરે બેઉ વિષે પરસ્પર !

આજેય એ વૃક્ષ ઊભાં અવાચક,
તળાવનાં નીર મહીં જુદાં જુદાં,
વિહંગની આંખ મહીં જુદાં જુદાં,
આકાશમાં, સંમુખ મારી, ભીતરે,
વ્યતીતમાં સાંપ્રત ને ભવિષ્યમાં.

બે વૃક્ષને લાવી નજીક, છાંયને
કેમેય હું એક કરી શક્યો ના.

૧૯૬૫


0 comments


Leave comment