89 - વણરોક્યાં રણ / રઘુવીર ચૌધરી


ધરતીને છેડે ધોળા ડુંગરા
ઉપર ભૂરાં ખાલી આભ.
નજરો વેરતી સૂકા શૂન્યમાં
ક્યાંયે જળની ના ભાળ.
આંખ કો ઓથાર નીચે ડૂબતી.

અમારે આંગણ ઊંડા વીરડા,
ડમરી ધૂળ પૂરી જાય.
વણરોક્યાં રણ આવે ભવભવનાં
મારે રુદિયે ફેલાય.
વચલે પાતાળ વાણી ઝૂરતી.

ઊંબરે બેસીને ઘરમાં તાકતાં
કણસે અટવાતી દિશ,
જાળિયું જીરણ ચીંધે તાડના
ખરતા પાંદડાની ચીસ,
પાણિયારે છબિ એક કંપતી.

૧૯૬૪


0 comments


Leave comment