2 - તમસા – પ્રસ્તાવના / નલિન રાવળ


કવિના અંગત જીવનમાં નિજના પ્રત્યેક કાવ્યના થતા પ્રવેશનું એક મૂલ્ય ઊભું થાય છે, પણ જે પળે એ પોતાનો કાવ્યસંગ્રહ પ્રજાના હાથમાં મૂકે છે તે પળે એણે કેળવેલાં અંગત કાવ્યમૂલ્યોમાંથી ઘડાયેલી સર્વકાલીન એવી આગવી સાહિત્યિક ઘટનાનું અસ્તિત્ત્વ પ્રકાશમાં આવે છે.

‘તમસા’ના પ્રકાશથી આવી કોઈ સાહિત્યિક ઘટના અસ્તિત્વમાં આવી કે કેમ ? એ હરકોઈ સાહિત્યરસિકોનો પ્રશ્ન હોઈ શકે. આ પ્રશ્ન સાથે પરંપરા અને પ્રયોગને વણી લેતો એક વિશિષ્ટ સંદર્ભ જોડાયેલ છે જ. તદુપરાંત અન્ય સંદર્ભો પણ જોડાયેલા છે. વળી આ પ્રશ્ને તત્કાળ સમજી નિર્ણય પર આવવામાં એક સાહસ રહેલું છે, આમ છતાં સંકલિત રચનાઓ પર નજર ફેરવી જનાર એ અનુભવે કે કવિ પ્રજા અને સાહિત્યને સ્નેહ, આદર અને અનુકંપાની લાગણીથી જુએ છે. જે સંબંધથી એ જગ સાથે જોડાયેલ છે એનો સુંદર અણસાર આ પંક્તિઓમાં છે :
ઝરુખો મુજ સ્વપ્નનો ખૂલે
ખીલતી ત્યાં સહુ વેદના-કળી.
અહીંઆં હજી કોઈ આવશે
તૃણ મૂંગા ધરી કાન જાગતાં.

લય અને શબ્દ સાથે આત્મસંપર્ક સાધતો કવિ સૃષ્ટિના સંપર્કમાં સતત રહેતો હોય છે. અહીં એ સ્પષ્ટ થયું છે. “સૃષ્ટિના સંપર્કના પહેલા દસકાથી જ શબ્દને લયબદ્ધ કરવાની લીલામાં કેમ પ્રવૃત્ત થવું હશે એનો કોઈ સકારણ ઉત્તર મળતો નથી.” સૃષ્ટિના મૂર્ત સ્વરૂપને શબ્દના સંગીતમાં ઢાળવાનું કર્મ એ કવિરહસ્ય છે. કવિતામાં રહસ્ય એ કવિકર્મનો પર્યાય. સ્થૂળ-સૂક્ષ્મને આવરી ચાલતો કવિકર્મનો વિસ્તાર આંતરિક ભૂમિકાએ એટલે કે સાહિત્ય સમગ્રની ભૂમિકાએ વિશિષ્ટ સ્વરૂપઘટનામાં બદ્ધ થાય છે. અતિ સંકુલ એવી આ સ્વરૂપઘટનાને સમજવી એ અહીં ઉદ્દેશ નથી – એ કાર્ય કપરું છે.

જે ત્રણચાર કાવ્યોમાં તેમ જ કેટલીક પંક્તિઓમાં જે કંઈ રેખાઓને સહજપણે પામી શકાય છે તે પ્રત્યે અહીં ઉલ્લેખ છે. જે કેટલાંક વલણો અહીં સ્પષ્ટ છે તેમાંનું એક વિચ્છેકમૂલક તત્વનો સીધો નિર્દેશ સૂચવે છે. જે કવિમાં ઇતિહાસ – જાગરુકતાતેમ જ વ્યક્તિ અને સમાજ સાથ સંકળાયેલ પ્રશ્નો પરત્વેની સંપ્રજ્ઞતા હોય છે તે કવિને આનંદ અને સત્યના એક અને અખંડ તેમ જ વિવિધ અને વિભાજીત સ્વરૂપોનો સ્વીકાર કે અસ્વીકાર કરવાનો રહે છે. એ જાતને નિજના અને અન્યના સંદર્ભમાં મૂકી કાવ્ય દ્વારા પામી શકાય એવો અનુભવ મૂર્ત કરવા મથે છે. સંગ્રહની પ્રથમ કૃતિમાં આ મથામણ જણાય છે. કવિચિત્તનો નકશો અહીં જાણે કે દોરાયો છે, અને બરોબર દોરાયો છે, કેમ કે સંગ્રહમાંની કેટલીક રચનાઓ આ નકશા પ્રમાણે ચાલે છે. (સગવડ ખાતર ‘કવિચિત્તનો નકશો’ એવો પ્રયોગ સ્વીકાર્યો છે બાકી – કાવ્ય ચલે નિજ લીલા.) ‘મને કેમ ના વાર્યો ?’ – પોતે પૂછે છે પોતાને. બે વિભક્ત સ્વરૂપો – નિજનાં – અહીં કેન્દ્રમાં છે. એક સ્વરૂપ ગત સાથે સંકળાયેલું છે તેમ જ નિસર્ગ સાથે જોડાયેલું છે. બીજું સ્વરૂપ સાંપ્રત સાથે સંકળાયેલું છે તેમ જ નગર સાથે જોડાયેલું છે. ( જે જે કાવ્યમાં આ સંઘર્ષ સ્પષ્ટ છે તે તે કાવ્યમાં પણ નગરસંસ્કૃતિ પરત્વેનું કોઈ ચિત્ર પૂરું ઊઠતું નથી. કાવ્યસ્પર્શ પામેલા કેટલાંક પ્રતિભાવો નગરજીવન પ્રત્યેની કવિખિન્નતામાંથી પ્રગતી ; કોઈ એક વિષાદરેખા જરૂર દોરે છે, પણ સમગ્રતયા પ્રસ્તુત વલણ દ્વારા કોઈ સૂક્ષ્મ સૂઝ બની આવતી નથી. કવિ ઉદ્દેશ પણ એ નથી. પહેલી કૃતિ સમજવાથી મૂળ ઉદ્દેશની નજીક કદાચ જવાય.) ‘મેં ઘરનો ના સાદ સાંભળ્યો’ જેવી પંક્તિઓમાં લાચારીનો વિવશ કરે એવો એકરાર સંભળાય છે. અહીં ‘ઘર’ એટલે નિસર્ગ. ઘર ત્યજવું કે કેડી ભુલાઈ ગઈ છતાં – ‘યાદ આવે છે પહેલી કેડી’. ‘પહેલી કેડી’ કહેવામાં રહેલું સૂચન કાવ્યાંતે ઊભી થતી અસરને સંકુલ બનાવવામાં કાર્યક્ષમ છે.
‘અહીંઆં રસ્તે રસ્તે દાઝે
મારી ધરતીનો વણમ્હોર્યો કૂમળો ધૂપ’

નગરપથ ઉપર ચાલતો અને જાતથીય વિખૂટો પડી ગયેલો યાત્રી ધૂમ્રસેરને જુએ : એની લીલાને જુએ છે, અને એ જ મહત્વનું છે :
‘નજર વિશે છે ધૂમ્રસેર લીલા.’

હવે તો એ ખૂંપ્યો, સંડોવાયો નગરમાં; નગરજનોમાં.

‘જાઉં ? હું આવ્યો જ્યાંથી ત્યાં જ હવે પહોંચીશ ?
એક અણદીઠ વેદના રોકે.’

એ અણદીઠ વેદના જાણે છે, પ્રમાણે છે. –

‘અહીં સદા નિસ્સંગ ભીડના લયમાં
કેવી ભળી વેદના,
એને ત્યાં મળશે કોનો સથવાર ?

‘ત્યાં’ રહી ગયેલા પેલા સ્વરૂપને તો હવે ભૂલવું. ભૂલવું ? ‘ત્યાં’ ખોવાયેલો પેલો સમય હવે હાથ આવશે ? નિસર્ગમાંથી કોળાઈ આવેલું પેલું ‘મુગ્ધ જગત’ યથાતથ હશે ? હવે તો –
હું કેડી ખોતાં શતપથમાં પ્રસર્યો,
ફેલાયો ઇમારતોના, રસતોના, આકાશોના અવકાશે.

આ અનંત યાત્રા છે, સ્થલ-કાલને અતિક્રમી ચાલતી આ યાત્રા છે. અહીં ભૂતકાળ એક ભવનો નહીં ભવોભવનો છે. આ નગર વિસ્તરતું યાત્રીના અંતરની પાર વિસ્તરે છે :
આ ભવના
પેલા ભવના
મુજ ભૂતકાળમાં
ભાગોળે આવી અટકેલાં
મારાથી સૂનાં જે અગણિત ગામ
આવતાં યાદ.

નગર શબ્દની એક વિશિષ્ટ વ્યાપિત સમજમાં ઊતરતાં કાવ્યમાં ઊભા થયેલા એક નવા પરિમાણમાં પ્રવેશ સહજ બને છે. આરંભે થતી વિભક્ત મન:સ્થિતિ કાવ્યાંતે અવિભક્ત એવી મન:સ્થિતિમાં પલટાય છે – જે ક્રિયા દ્વારા તે પલટાય છે તે ક્રિયામાં ક્યાંક કાવ્ય રહેલું છે. કાવ્યમાં ક્યાંક કંઈક બનતું હોય છે. – જે ક્રિયા દ્વારા જે કંઈ બની આવે છે તેનું સ્વરૂપ અહર્નિશ ગતિમય હોય છે – આ ગતિ દ્રશ્ય બને છે અપૂર્વ લયસંચલન દ્વારા, વિશિષ્ટ શબ્દપ્રયોગ દ્વારા, નૂતન પ્રતિરૂપ કે પ્રતીક દ્વારા તેમ જ અત્યંત વિરલ એવા રૂપક દ્વારા. પ્રસ્તુત કાવ્યસંગ્રહમાં જવલ્લે જ જોવા મળે છે કવિતામાં અનિવાર્ય ગણાય એવાં ઉક્ત તત્વો – તત્વો કે જે કાવ્યસ્વરૂપનું મધ્ય ધારક બળ છે તેમ જ જે કાવ્યરહસ્યને ગોપવી પણ શકે છે. કવિનો આત્મલય ઉપમા દ્વારા તો છલી ઊઠે અને સર્વત્ર ફેલાઈ વળે. ઉપમા – ઉત્તમ ઉપમા પણ અહીં નથી.ત્યારે કેટલી બધી મર્યાદા સાથે આ કવિ કાવ્ય સિદ્ધ કરવાનો પુરુષાર્થ આદરે છે ! (અને કાવ્ય સિદ્ધ થાય છે એ કેવો મોટો ચમત્કાર !) આ સઘળી મર્યાદાઓને કારણે કવિ, કૃતક આભાસી તેમ જ પ્રચલિત કાવ્ય ઉપકરણોથી દૂર રહ્યો છે. જે ભૂમિકાએ એ કાવ્ય સિદ્ધ કરે છે તે છે એનો આવાજ. જે રચનાઓમાં આ અવાજ અન્ય અવાજો સાથે એકરસ થયેલો છે ત્યાં કાવ્ય નિ:શંક અનુભવાય છે.

પ્રકૃતિ અને નગરસંસ્કૃતિના સંઘર્ષમાં નિષ્પન્ન થતા વિચ્છેદમૂલક તત્વને સમજવાનો જે એજ પ્રયત્ન ‘મને કેમ ના વાર્યો?’માં થતો જણાયો – અવાંતર ભૂમિકા તૈયાર કરી આપવા પૂરતો – તે પ્રત્યને ‘કવિતા’ નામની અછાંદસ રચના બાદ કરતાં અન્ય આ પ્રકારની બેત્રણ રચનાઓમાં થતો જણાતો નથી. કવિએ કેળવેલી અને કાવ્યસ્વરૂપ પામી (‘મને કેમ ના વાર્યો?’) ચૂકેલી સમજ પણ ‘અમદાવાદ’ જેવી રચનામાં જૂઠી પડે છે. – ‘કીડી એક પુલ પર જાય ધરે ચાલી’ પંક્તિ તરીકે મનમાં ક્યાંક ગોઠવાય છે, પણ કૃતિના સંદર્ભમાં એ પંક્તિને જોતાં જે conceit ઊભી થાય છે તે દુર્બોધ હોવા ઉપરાંત કવિએ ઊભી કરેલ પેલી મૂળ સમજને અવરોધે છે. આની પડછે સાદી, સીધી અને સરસ એવી ત્રણ પંક્તિમાં અપેક્ષિત એવી આબોહવા ઊભી થઈ શકી છે :
મેં ખેતરમાં મન વાવ્યું
ને
ઊગી આવ્યું નગર.

‘કવિતા’ – અછાંદસ રચનાઓમાની એક છે.
કવિતાને ભૂલી ગયેલ એટલે કે જીવનના કારુણ્ય, સૌંદર્ય અને સત્યને ભૂલી ગયેલ પથિક અને બાલાકવિતા, કલ્પના અને સ્મૃતિનું સ્વરૂપ – વચ્ચેના સંવાદમાંથી ઊઠતો કરુણ સુંદર ધ્વનિ આસ્વાદ્ય છે. એજ ભીંસ, એજ વ્યગ્રતા, એજ પ્રશ્ન અહીં છે. નિસર્ગથી વિખૂટો પડેલ અને નગરમાં ખોવાઈ ગયેલો મનુષ્ય જીવે છે પથ્થરોમાં.
પથ્થર ઉપર ચાલું છું.
પથ્થર નીચે ઊંઘું છું.
પથ્થરો વચ્ચે જીવું છું.

કવિતા કે જે ક્યારેક તો એકાંતનો પર્યાય. તે કવિતા ક્યાં છે ?કવિતા નથી કારણ કે એકાંત નથી – એવું એકાંત જેમાં આત્મા કકળી ઊઠે છે. અહીં છે ખેતરના શ્વાસ પર પથ્થરોનો ભાર. ક્યાં છે વનલતા ? ક્યાં છે એકલતા ? ક્યાં છે કવિતા ? કેવો કરુણ એકરાર ! –
વનલતા ! એકલતા ! કવિતા !
પ્રિયે ! હું પથ્થરોથી પરાજિત છે.

અહીં સંગૃહીત તેમ જ અન્યત્ર જોવા મળતી અછાંદસ રચનાઓ એનાં અનિયંત્રિત યાદ્યચ્છિક શબ્દાન્દોલનો (લયાન્દોલનોનો તો અહીં પ્રશ્ન જ નથી.)ને કારણે એક એવી અરાજકતા ઊભી કરે છે જે અંતે ભાષાની ભૂમિકાએ કટોકટી સર્જે છે. આ અનિયંત્રિત યાદ્યચ્છિક શબ્દાન્દોલનો વસ્તુત : કલ્પોનોન્માદ કે મનોરુગ્ણતાભર્યા અસંયત ભાવાવેગોનું વાહન બને છે, ક્યારેક આ અસંયત ભાવાવેગો કુત્સિતતામાં, બિભત્સતામાં સરી પડી નરી કુરૂપતામાં ફેરવાઈ જાય છે. ગદ્ય અને પદ્યનાં વિવિધ સ્વરૂપ તેમ જ તે તે સ્વરૂપની અંતગર્ત વહેતાં અસંખ્ય સરલ સુંદર સૂક્ષ્મ સંકુલ લયાન્દોલનો પરત્વેની તેમ જ વિશેષ કરી સમગ્ર ભાષા પરત્વેની એક અખંડ અપૂર્વ લયસૂઝ કેળવી ચૂકેલો તેમ જ તે દાખવી ચૂકેલો કરુણાર્દ્ર શાંત કવિ જ કદાચ અછાંદસ રચનામાં કાવ્યત્વ સિદ્ધ કરી શકે. લાગે છે કે કેટલાક પ્રશસ્ય પ્રયોગો છતાં અછાંદસ રચનાઓ સાંપ્રત ગુજરાતી કવિતાનું એક અત્યંત ધૂંધળું પ્રકરણ છે.

‘રાજસ્થાન’ અને ‘મધ્યયુગ’ આ બે રચનાઓમાં જે અવાજ સંભળાય છે તેમાં કવિનો આગવો અવાજ ઓગળી ગયો છે અને કવિતાનો ઘૂંટાયેલ અવાજ સંભળાય છે. બંને કાવ્યમાં છંદ એનું સર્વપરિચિત એવું તેમ જ અલ્પપરિચિત એવું સ્વરૂપ પ્રકટ કરે છે.

‘રાજસ્થાન’ કવિએ હાડોહાડ અનુભવ્યું છે. એક વર્ણનકાવ્ય તરીકે માણી શકાય તેવી આ કૃતિ કેટલાક સંકેતોને કારણે ઊંડી બનતી આવે છે. પ્રથમ પંક્તિમાં નર્યું વર્ણન છે, પછી વર્ણન કથનમાં વિકસે છે, પછી કથન સંકેતમાં ફરકે છે, પછી સંકેત કોઈ પ્રતીકમાં ઝિલાય ન ઝિલાય ત્યાં પ્રગટ થઈ જાય છે – સુંદર રીતે :
મારા ગામે ભાગોળે બેઠેલા
ધીરે હુક્કો પીતા વૃદ્ધો માટે,
પૂજાપાનો થાક ગ્રહીને જતી
કન્યકા કાજે આજે
ઊંટતણી પીઠે લાદીને
લાવી શકતો નથી હું રાજસ્થાન ,
હવે તો આંખ મહીં એ ટકે એટલું સાચું.

‘જીર્ણ નગરના કોટ કાંગરે કેસરિયો અવકાશ’ – ‘મધ્યયુગ’ કાવ્યની આરંભની આ પંક્તિમાંનો ‘કેસરિયો’ શબ્દ મધ્યયુગની સાથે જ જડાયેલા કેટકેટલા ભવ્યકરુણ સંસ્કારોને જાગ્રત કરે છે ! વિલીન ગતકાલના એ શાપિત યુગના ઐશ્વર્યનું કરુણ ગાન ઇતિહાસના રંધ્રમાંથી પસાર થતું કૃતિમાં શમે છે. અતીન્દ્રીય અનુભૂતિ મૂર્ત કરતી આ બે પંક્તિઓ કાવ્યરહસ્યને વધુ ગૂઢ બનવા છે.
દીર્ધ નેણમાં બળતા યૌવન ફરતે કાજળ ચમકે
નેપથ્થે પરદાનશીન શાંતિમાં કંકણ રણકે.

મધ્યયુગ વિગત વાતાવરણને અહીં અદ્દભુત લયસંતુલનથી કાવ્યના અણુએ અણુમાં પ્રસરાવવામાં આવ્યું છે, મહાકાળના ઉદારમાં ઓરાઈ ગએલાં નગરો, મહાલયો; મહાલયોનાં ખંડિયેરોની નીચે અટવાતો મુલાયમ સ્વર. સરે છે.... એ મુલાયમ સ્વર....
‘એ સ્વર યુગની મદિર આંખના અંધકારમાં ભળતો
ધીરે ધીરે સમયપત્રમાં રેત બનીને સરતો.’

કાવ્યમાં અમૂર્તમાંથી મૂર્તમાં અને મૂર્તમાંથી અમૂર્તમાં રૂપાંતર પામતી એક ક્રિયા સતત ચાલ્યા કરે છે.
‘સાગર તીરે અલસ તિમિરે વિહરે એકલતા’
તેમ જ
‘નીરવતા ફરકે છે સઢથી’

જેવી પંક્તિઓમાં તેમ જ
‘વિકસી નિજ સૃષ્ટિમાં રહ્યું
નભ જેવું ગૂઢ પારિજાત; ને
ખરતાં મૂદુબંધ પુષ્પનો
સુણતો સૌરભશેષ શો ધ્વનિ !’

જેવા અર્થમૂદુ લયઘટકમાં આ મૂર્ત-અમૂર્તમાંથી સરતી ક્રિયાની રમણીયતા અનુભવાય છે. ‘બે વૃક્ષ’ નામની કૃતિમાં આ ક્રિયા અનેક કાવ્યક્ષમ શક્યતાઓ સાથે એક એવા પરિમાણમાં પ્રવેશે છે જે એમાં રહેલા ‘દ્યુતિમય રહસ્યવલયો’ને કારણે વિશેષ સ્પર્શે છે. આમ જોઈએ તો વિષાદનું આ કાવ્ય છે. સમયપટને આવરી ચાલતો વિષાદ વિશાળ વૃક્ષની જેમ ફેલાઈ સર્વત્ર પ્રસરી વળે છે. વૃક્ષ દ્વારા, બે વૃક્ષ દ્વારા પ્રગટતા વિષાદનું સ્વરૂપ નિગૂઢ થતું આવે છે. વૃક્ષ તો આનંદનું પ્રતીક, પણ અહીં એ નિગૂઢ વિષાદનું પ્રતીક બને છે.

એકથી વધુ પ્રતીકો – પરિચિત એવાં પ્રતીકો ની એકમેકને છેડતી છાયાઓ અહીં કાવ્યને એક એવી ભૂમિકા પર લાવી મૂકે છે જ્યાં સ્થલ, કાલ અને પાત્રની સાથે અનુસંધાન પામેલું પ્રતીક ઓગળી જઈ અમૂર્ત એવી ભાવસ્થિતિમાં વહે છે.
બે વૃક્ષને લાવી નજીક, છાંયને
કેમેય હું એક કરી શક્યો ના.

વિષાદ વ્યક્ત કરતા કથનમાંથી ઉગતું કાવ્ય એક સ્પષ્ટ રેખા આ પંક્તિઓમાં સ્થિર કરે છે :
ઊડી ગયાં બાળ વિહંગ તે પછી
જે રિક્તતા નીડ મહીં છવાઈ છે,
રહેતી નિરાળી અહીંથી જનારને.

કાવ્ય અહીંથી આ કે તે રેખા પૂરતું માર્યાદિત ન રહેતાં વિસ્તરે છે અનેક સ્તરોએ. ‘અંતર દુર્નિવારને’ ભેદવા જે ક્ષણે યત્ન થયો તે ક્ષણે ઊમટેલો અવકાશ અડાબીડ ઘેરી વળે છે :
‘ઘેરી વળ્યો શીઘ્ર મને અડાબીડ’

કાવ્ય ફરી બે પંક્તિ : -
ક્યાંથી જગાવું નવરંગ મૌનમાં
જે વિસ્તરે બેઉ વિશે પરસ્પર

- પૂરતું સામાન્ય સ્તર પર ન આવે ત્યાં પૂરી ગતિથી એક પછી એક સ્તરો ભેદતું આ પંક્તિઓમાં ઘૂમરાય છે :
આજેય એ વૃક્ષ ઊભા અવાચક,
તળાવના નીર મહીં જુદાં જુદાં,
વિહંગની આંખ મહીં જુદાં જુદાં
આકાશમાં, સંમુખ મારી, ભીતરે,
વ્યતીતમાં, સાંપ્રત ને ભવિષ્યમાં.
બે વૃક્ષને લાવી નજીક, છાંયને
કેમેય હું એક કરી શક્યો ના.

સ્થલ-કાલનાં પરિમાણો તેમ જ આંતરમનનાં પરિમાણોને અતિક્રમી વિસ્તરતાં વૃક્ષ, વૃક્ષ ન રહેતાં અમૂર્ત એવી. સૂક્ષ્મ એવો કોઈ નિગૂઢ ભાવસ્થિતિનાં દ્યોતક બની રહે છે.

કાવ્યરહસ્ય અને કાવ્યસૌન્દર્ય વિશેની સમજનો વિસ્તાર કાવ્ય વિસ્તરે અને કોઈ એક વિરલ કાવ્યમાં એ આકારબદ્ધ થાય એ ઘટના તો ઈશ્વરના અનુગ્રહને આધીન. All is, if I have grace to use it so. – એક વાર કેળવી ચૂકાયેલી તેમ જ સુંદર રીતે કાવ્યમાં પ્રયોજી ચુકાયેલી સમજને રક્ષવાનો ધર્મ એ કવિધર્મ છે. આવનારાં કાવ્યોમાં કવિ આ સમજની રક્ષા કરે એ જ અભ્યર્થના.

‘સંસ્કૃતિ’ ફેબ્રુઆરી ૧૯૬૮
નલિન રાવળ


0 comments


Leave comment