68 - સીમમાં / રઘુવીર ચૌધરી


સપનાંમાં કોક વાર તો શૈશવ મળી જતું,
પડખું ફરીને માંડતો હું કાન સીમમાં.

આંબા-તલાવડીને તીર એક આકડો,
એનાં ફૂલો ઉપર ફરકતું ગાન સીમમાં.

અરણી સુગંધથી કરી રહે પ્રદક્ષિણા,
કાંટાય ભૂલી જાય પછી ભાન સીમમાં.

વૈશાખની વિમલ સવારના ઉજાસમાં
ધૂળ વાય, ધરોના પ્રસન્ન પ્રાણ સીમમાં.

પૂછો ન હજી કેમ હું પાછો વળ્યો નથી,
આંખો છવાઈ એમની અજાણ સીમમાં.

૧૯૬૫


0 comments


Leave comment