13 - નિસર્ગનો નાભિશ્વાસ / રઘુવીર ચૌધરી


માગે શૈશવ વિદાય,
એની વણપ્રીછી પાંડુલિપિ
અનાગત યૌવનના હૃદ્ય
અંધાકરે ડૂબી જાય.

જલમહીં સ્થલ ધરે બિંબ !
કાંઠે રચાયેલ પ્રદોષના
પ્રાંતરને બીજની બંકિમ છતાં
અનજાણ સ્પર્શથી અંકિત કરી જાય.

જાગે રૂંવે રૂંવે નૂતન સંચાર,
ખૂંચે હૂંફભરી તીખી તીવ્ર આતુરતા.
વજ્રબંધ તોડી ચાહે પ્રગટવા
સુકોમલ સુરખીનો દેશ.
સૂર્યના પ્રાગટ્ય પૂર્વે
સૃષ્ટિ બને શ્રીમતી સકલ.
ધરી સંમોહક આવરણ
સંમુખે પ્રગટ થાય સંધિકાલ.
સંધિકાલ – સંદિગ્ધ બે ક્ષણના
મિલનનો આભાસ.
એની સંદિગ્ધતા છિન્ન કરવાને
મારું આંદોલિત રક્ત બને ચક્રવર્તી,
માંસલ કો રૂપ કાજે
આક્રમક પડઘા જગાવે,
કંપે કામનાનો મહોદધિ,
છોળે છોળે છલકાઈ રહે.
એને અવિચળ કાંઠે
દૂરતાનું ગૌરવ ધરીને
ઊભી વનરાઈ
પ્રજ્જવલિત સાગરમાં
ડહોળાયેલું પ્રતિબિમ્બ જુએ.
જુએ સાગરના લોચનમાં ઊઘડેલી
ઉગ્ર રક્તિમાને.

એની અવાચક સંનિધિમાં
ડહોળાયેલું પ્રતિબિમ્બ બનતું સ્વાધીન
પામે શબ્દાતીત શંખશુભ્રે શાંતિ,
જોઈ છે જ્યાં વનરાઈ લહેરાતી ,
મળી છે જ્યાં છાયાભરી કુંજ,
હવાની વાણીએ મને સંબોધીને
પ્રબોધેલા અસ્તિત્વનો શ્વસી રહું લય.
શ્વસી રહું નિસર્ગનો નાભિશ્વાસ !

૧૯૬૫


0 comments


Leave comment