49 - દાવાનળ / રઘુવીર ચૌધરી


ધર્મસ્થાન છોડી મારી પાસે આવેલો ઈશ્વર
હે ભાઈ, તારા મરતાં (-મારી અવેજીમાં)
નિરાધાર બની ભટકી રહ્યે છે આ નગરમાં.

યજ્ઞવેદિથી પદચ્યૂત અગ્નિ
જયારે રૂંધાઈ રહ્યો હતો,
ફાટેલા આભમાં ગોથાં ખાતી ધૂણીમાં
શરમનો માર્યો તરફડતો હતો ત્યારે હે ભાઈ,
તું કબરો ખોદી ખોદીને શોધતો હતો ઈશ્વરને.
હજી પથ્થરોમાંથી તારો વિશ્વાસ ઊઠી ગયો નથી.
તેથી તો પેલા મશ્કરાઓ એમની સમગ્ર ક્રૂરતાથી
તારે માથે એમના ઈરાદાઓનો ભાર વેંઢારી શકે છે.
શબ બનવાની તને ફરજ પાડી શકે છે.
મેં જોયું છે : તારા રક્તની પ્રથમ ધારથી
છૂટો પડતાં જ ઈશ્વર કાળો પડીને
સડક પરના ભંગારમાં છંટાતો ગયો
અને થોડી ક્ષણ પૂર્વેના તારા મિત્રોના
રક્તથી વળી પાછો ધોવાતો ગયો.

આંસુમાંય એને આશરો ન મળ્યો
સૂકી આંખોમાં ફાટી મોતની બખોલ,
હોઠ પરની રાખ ઉડાડતા
નિસાસાઓએ તો એને દૂર ફેંકી
ફૂંકી મારવા જેવો કરી મૂક્યો.
માતાની લાજ અવગણી અવતરેલા
શિશુની આંખ માટે તો એ હજી અજાણ્યો હતો.
દૂધભર્યા સ્તન પરનો ઘા જોઈ એ ત્યાંથી નાઠો
અને આવી ચડ્યો
ઘરમાં પુરાઈને અધમુઆ બનેલા મારી પાસે.
મેં જ મારી શાખમાં સાચવીને
એને મોકલેલો તારી પાસે,
એકલો બની અળગો થવા નહીં.

હવે તો જ્યાં સુધી એ બેવડાં નામ ધારી ધારીને
મને વિભાજિત કરતો રહેશે
ત્યાં સુધી હું એના વિના જ જીવીશ.
જીવીશ ? અરે શું જીવીશ હું ?
આ જીવવું જ સતત ગુનો કરવા જેવું લાગે છે ત્યારે
આતાટલી આત્મહત્યાઓના તોરણથી
એને આવકારીનેય શું ?

મેં તો માન્યું હતું કે જીવન ધર્મથી મોટું છે.
પરંતુ આ ધર્મો તો
જીવનને નહિ, પોતાને નામે લડે છે
અને કરે છે મારી શ્રદ્ધાની ફજેતી,
તે જ ક્ષણે જોતજોતામાં
મારામાં સુરક્ષિત ઈશ્વરને કરી મૂકે છે નિર્વાસિત.

હવે તો હે ભાઈ,
તું એની સાથે પાછો આવવાનો હોય તો જ
હું આવકારીશ
ધર્મનું શાસન તજી આવેલા એ ઈશ્વરને.

૧૯૬૯


0 comments


Leave comment