33 - ઇન્દ્રગોપ / રઘુવીર ચૌધરી


ઊતર્યો આખા આભથી અષાઢ અમને ભીડી બાથ,
કાલ લગીની કુંવારકાને આજ અજાણ્યો સાથ.

આંગણે નેવાં રણકી ઊઠ્યાં શેરીએ રેલો છેક,
દેવળની તલાવડી જાગી, ગામ ને પાદર એક.

ઝાડવાં ઝૂલ્યાં, વગડો ખીલ્યો, રાતમાં નવી વાત,
હળ જોડાયાં ખેતર સૈયર આલવા ચાલ્યાં ભાત.

ભોમકા મારી ગોરમટી, શો ચાસમાં ફોરે ભેજ !
હાલતાં આંબો વચલી ડાળથી ટપકે તાજું તેજ.

બેસતી શેઢે, ચાસમાં જોતી, જીવ શો ધીમે જાય,
અડકું કે ? ના, કેસરના ફોર શી એની કાય.

એ જ મૂઓ ગઈ સાલનો પાછો આજ ફૂટીને મા’લે,
એક દાડાના આયખામાંયે રૂપ બધું લઈ ચાલે.

ભાઈ જોડીને ચાવર મને પેરવા આલે બીજ,
વાવતાં ભેગા મોતિયા, મારે કાળજે પડે વીજ.

૧૯૭૧


0 comments


Leave comment