46 - મંજરી / રઘુવીર ચૌધરી


મકાનમાં ફેલાયેલી હાજરી
પુસ્તકો વચ્ચે પડેલી મંજરી
તોડે, ખસેડે....
હું
જાણ બહાર...

જોઉં : સામે લંબાય શિશુકર
વિશ્વાસે મૂકેલી મંજરી
ઉપાડી લેવા અધીર,
હાથ લાગતાં
જુએ મને અધખૂલી આંખે.
એ આંખે દેખાઈ ગયેલો હું જોઉં :
ક્ષણ પહેલાં
ન જોયેલા રંગ
ન અનુભવેલી સુગંધ
ફલિત થવાની એક શક્યતા –
ઊપસી રહે ટુકડાઓમાં મંજરીના.

શિશુ ચહેરામાં હું
પહોંચતા પહોંચું આંબાની ડાળે,
કોઈક બંધાતા માળે,
જયારે સ્મૃતિને સ્વર મળેલો.

પછી તો ટુકડા બહાર, દેખાય :
અરે, કોણ એ પંખી
વીણીને ચાંચમાં લઈ ચાલે મને
જોજન દૂરના વનમાં, સ્મરણના વતનમાં.

૧૯૬૯


0 comments


Leave comment