48 - અ-ગતિ / રઘુવીર ચૌધરી


હું હજી મધદરિયે ગયો નથી.
મારો તો તટવાસી સ્વભાવ
કદીય ઊંડો ઊતર્યો નથી,
અને તેથી
આખા દરિયાનો ભાર
મેં હજી ઝીલ્યો નથી.

તર્કનાં લંગર નાખીને
હજાર વાર ચીપકી રહ્યો છું
અ-ગતિને.
વિષાદને વચગાળો માનીને
સહેલાઈથી સુખી રહ્યો છું.

અનાગતને ભાવી કમાણી માની
કરજ વધારી આનંદનું
વિષાદના સાતત્યની આડે આવું છું.
અને ગાવા લાગુ છું ગીત
ગાગરમાં સાગરનું.

૧૯૬૯


0 comments


Leave comment