28 - વનમાં / રઘુવીર ચૌધરી


એક મૌનનો માળો વનમાં હમણાંથી શું ગાતો
કે હું શૂન્ય શૂન્ય થઈ જાતો.

વાતો પવન પ્રકાશિત થઈને,
સૂરજ ગુફા ગુફામાં જઈને આવે અંધકાર લઈ લઈને,
દઈને ભવભવના સોગંદ ક્ષણોની માળા છીનવી લેતો
ને હું શૂન્ય શૂન્ય થઈ જાતો.

માળો રહી રહીને ગાતો :
પાછો સમય વિનાનો પવન સાંભરે,
છાંય વિનાનો સૂર્ય સાંભરે,
એક નવું આકાશ ઊતરે,
તરે આંખમાં કોક ડાળખી, કોક પંખીની પાંખ,
ઘાસનાં નાનાં નાનાં ફૂલ, ઝૂલતી વાદળીઓનો રંગ, -
ઉછંગે ઝરણાંને ઝગમગતો ને શમતો,
ને હું સૂનો સૂનો રમતો,

ભમતો છૂટોછવાયો,
કદી ડાળખી, કદી ફૂલોનોરંગ, કદી પંખીની પાંખો
પહેરીને હું અધવચ અટકી જાતો.
જડતો નથી મૌનનો માળો,
મારા એક અખંડિત અઢળક વનનો માળો જડતો નથી
તોય હું અલસ આવાચક
હમણાંથી તો શૂન્ય શૂન્ય થઈ જાતો.
....જયારે ગાતો.....

૧૯૭૦


0 comments


Leave comment