23 - ફલશ્રુતિ / રઘુવીર ચૌધરી


એકલતા મુક્તિ નથી,
રિક્તતા તો ક્ષણજીવી.

નામ રૂપી છાયાથકી સીમિતને
અખિલાઈ આપો.
રહસ્યોનાં દ્યુતિમય વલયોમાં
વિસ્તરતા સૂર્યરૂપે મહાશૂન્ય આપો.
વિશ્વરૂપ-દર્શન તો થાય કે ન થાય,
મેં તો મારે શરણે જ સદા રહ્યા કર્યું.
વિદાય સ્વીકારો મારી, સમગ્રતા આપો.

જેમાં, ચાલી રહું તે પછી હું
લઘુતમ શૂન્યરૂપે મળી જાઉં
સમયમાં ક્યાંક મારી પગલી
જો રહી જાય, ક્ષમા માગું.
વરદા ન્માગું – એને રોકશો ના.
નિરુપદ્રવી શા એક ચિર શાન્ત
શૂન્યરૂપે શમી જવા દેજો
પેલા સૂર્યની સાક્ષીએ.

સૂર્ય અને સમયના લીલાજન્ય
જગતમાં અંધકાર નિત્ય અભિનવ,
જીવનની પૂર્ણતાનું પરા બિન્દુ.
સૂર્ય અને મારી વચ્ચે
અંધકાર આવી જાય
ત્યાર બાદ હુંય અંધકાર.
અંધકાર
તમારા જ હોવાનો અભાવ.

નવેમ્બર ૧૯૬૪,
જાન્યુઆરી ૧૯૬૬.


0 comments


Leave comment