38 - નદીનું પ્રભાત / રઘુવીર ચૌધરી


ઉષાના ચહેરા પર વરતાય છે
નવજાત શિશુની તંદ્રા.
નીંદમાં મલકતી ઉષા
સ્મરે છે સાંધ્યરવિનું હાલરડું.
ચંદ્રનો રાતભર જાગ્યાનો થાક
માગી લેવા જાગે છે પશ્ચિમના અંધકારમાં
અલોપ થઈ ગયેલાં ખંડિયેર.
નદીની શીતળ વેળુમાં થયો છે નાનો માળો,
કાલાં તેતરનો.
તેમનાં તૃણાંકુર સમાં પગલાંમાં
ઊપસી આવે છે કાલે આકાશમાં ભળી ગયેલી
ઝાકળની ભીનાશ.
વહેતા જળમાં ઊઘડી રહ્યું છે
પુલકિત નભનું પ્રતિબિમ્બ.

અને જુઓ, પુલિન પર આશ્રિત
એક કુટિરના સોનપંચા પર બેઠેલી છે નાજુક દેવચકલી.
એનાં પીંછાંના ચંચળ મખમલને સ્પર્શી લેવા
આવી રહ્યાં છે દિવાકરનાં સદ્યજાત કિરણો.
સામેના પલ્લવના ઊંચા પ્રાન્તરોથી પાછું ઠેલાતું
રળતું, રોકાતું, ઠરતું, કૂદતું શીકર ધબકે છે
તેજના નિબિડ આશ્રલેષને.

પંખી લોભાય છે
બિન્દુમાંથી સૂર્યના સપ્તરંગી સુરેખ તારોને ખેંચવા.
ચંચુ લંબાય છે
ને કાળી સમડીની ઝાપટથી ધ્રૂજે છે
સોનચંપાની મુકુલિત કળીઓ.
સમડીની છાયાને ધક્કાવી
તંદ્રાના પુલોથી સાંધેલા શહેરને વચ્ચેથી ચીરીને
નદી એ અકળાતી નાઠી છે.
ખખડતાં વાહનો,
અથડાતા અવાજો,
લથડાતી ગતિઓ ને કચડાતી છાયાઓ
પૂંઠે રહેવા દઈને તોડી છે,
પૂરવેગે દોડી છે.
પંખીની પાંખોમાં ઊગેલાં સપનાંની શોધે
એ દોડી છે.

૧૯૬૩


0 comments


Leave comment