29 - મોર / રઘુવીર ચૌધરી


ગામપાદરે એકલવાયા મહુડા વચ્ચે
જાગ્યો ઘરડો મોર
પરોઢે દખણાદુ આકાશ ચીરતો
તારો ખરતાં, કંપી કલગી, જાગ્યો ઝબકી મોર.

લાગતો કેમ અચાનક આજ પીંછાંનો ભાર ?

સવારે પહેલું પીંછું નમ્યું
અને એ ખરતું ખરતું રમ્યું
હવામાં વહી આવતા આછા આછા અજવાળામાં;
ખુલ્લી રહી ગઈ ચાંચ,
વળેલી ડોક ઊંચકી,
એક કરી ટહુકાર સાંભળે :
અવાજનાં અણજાણ પદારથ કોક ભળેલો ભારે ભારે.

પગ ઊંચકીને પાછો મૂકે,
અંધકારના ઢગલા જેવાં ઝાડ ઘણાં જગવેલાં એણે
એક હલકમાં,
આજે આવે યાદે.
યાદ તો અજવાળું થઈ જાય.

સવારે દાદા સાથે જતું ભૂલકું જોવા અટક્યું મોર,
પડેલું પીંછું લઈ દાદાએ આપ્યું,
ખુશખુશાલ થઈ બાળક ઊપડ્યું
પીંછા સાથે લઈને જાણે મોર.

ખરે છે : ખરતાં ખરતાં ખરી ગયાં સહુ
એક હજી ના ખરતું પીંછું,
મોર ચાંચથી અમથું અમથું અડતો
ને એ ના ખરતું તે ના ખરતું
ને રોજ સવારે મહુડા નીચે
પડતી પગલી, ફરકે પીંછું ,
નમતો સૂરજ
વનવગડે ખોવાતો સાંજે.

રંગ ઓગળી જાય મોરની આંખે
ઊતરે અંધારાના રેલા,
નીંદર વહે,
પંથ તો પગલે પગલે
સપનાં થકી ભરેલા,
સહુયે આગળ ભણી ઢળેલા,
ત્યાં તો મોર અને બાળકની વચ્ચે
વગડાની ને વનની વચ્ચે
મનના નવા જનમની વચ્ચે
ટકી રહેલું એ પીંછું પણ
અંધારાથી અજવાળામાં ખર્યું.

૧૯૭૦


0 comments


Leave comment