24 - પથ્થર / રઘુવીર ચૌધરી


અમે અહીં ઉજ્જડ વગડામાં
એકલવાયા અહોનિશ પોઢેલા પથ્થર.
યાદ હોય તો કહો રાજવી
કેટકેટલાં સમરાંગણની
ધૂળ અમે ઓઢેલા પથ્થર ?
અડધી રાતે
કાળા કાળા સરવરમાંથી
સૂનકારની સરહદ તોડી
સમય નીતરતાં અંગે દોડે
સહુની આગળ
યમરાજનો મહિષ વેગથી –
લાલ લાલ ચકમક ઝરતું
ને સળગી જાતાં ગામ,
ઠામ ઠામથી ચિચિયારીનાં
ટોળાં આવે, હોહા હીહી થાય.
આંખકાન ભેગાં થઈ ભાગે
ભૂતકાળના રણમાં ખૂંપી જાય....
અમે અવાચક એક ખૂણામાં
પડ્યા અઘોરી
શંકાળુ અજવાળાએ
શોધેલા પથ્થર.
ભવભવથી અણજાણ
એકલા,
સૂરજને ઓળખતા,
કોક વાર તરડાઈ ઊઠતા
પળ પળ ધીમું ખરતા....
ખરી ગયેલાં નક્ષત્રની નીચે
તેમ જ નામ વિનાની
બધી દિશાઓ વચ્ચે એવા
સમય વિનાના સ્થળમાં કેવા
ખુલ્લમખુલ્લા
ગણ્યા વગર
બાંધેલા પથ્થર !

૧૯૬૮


0 comments


Leave comment