31 - અભિમાન / રઘુવીર ચૌધરી


નીલમ લીલી સર્વ સુંવાળપ
આથમણી આ ટેકરીઓ પર ફરકે

સરકે દૂર ક્ષિતિજના ઓવારાને અડકે
હળવે આમતેમ હું નજર કરું ત્યાં
વૃક્ષ ઊગેલાં મારી સાથે
સામે ઊપસી આવે.
હું મારામાં જાગું
હર્યોભર્યો શો લાગુ !

કેસર આંબાની કુંપળ લઈ
અરે ! એ જ આ ડાળ
વેલ શી નમેલ નમણી.
શૈશવ સામે મંદ મંદ લહેરાઈ ઊઠેલી,
માતાના ખોળામાંથી છટકીને
હું પકડું ત્યાં એ તો કેવી ઊંચે ખસી ગયેલી !
મા પણ મૂંગું હસી રહેલી !

હું ખેડેલી જમીનના એ ખોટ ખોટને જાણું.
એની સુગંધને સહુ માણે
હું તો કણકણનો પણ સ્વાદ ખરો પરમાણુ.
ખારી મીઠાશ ઊગી તરણાંમાં તગતગવા લાગે
ત્યારે હું તો ઘૂંટણિયે થઈ ગાઉં
કિલબિલ પંખીડાંનાં ગાન !

મિત્રો, એનું મને હજી અભિમાન.

૧૯૭૧


0 comments


Leave comment