78 - શેષ વાત / રઘુવીર ચૌધરી


આજ સવારે બારીમાં ડોકાયું કાળું આભ,
તમારી યાદ પાંગરી.

ભગ્ન હવાઓ ધુમ્મસને ઓઢીને ઊભી શાન્ત
નિર્જળા આંખ થરથરી.

તળાવના કાદવ પાસે પાણી તાકે મૃગબાળ,
કોઈની પાંપણ ફરકી.

નીલકમલને શ્વેત પંખી કો ચાંચ ચાંપતું જાય,
શેષ કો વાત સાંભરી.

રુદ્ર કંથમાં ડૂમો કાળનો ધીરે સળવળે આજ,
શ્વાસમાં તરે જિંદગી.

ભગ્ન ભાવિની ભૂમિ કંપતી પડી ઇમારત ત્યાં જ,
સ્વપ્નની ધૂળ ધ્રૂજતી.

ખૂલી દ્રષ્ટિનાં અદમ્ય અશ્રુ રચી ગયેલ દિવાલ,
જાગતી આગ ગૈ ઠરી.

૧૯૬૩


0 comments


Leave comment