72 - વન / રઘુવીર ચૌધરી


ચાલો એ જૂના ઘેર તરફ પીઠ ના કરો,
બારી પછીત કેરી ઉઘાડી રહ્યું છે વન.

પર્વતની બખોલમહીં વસ્તી નથી રહી,
જાળું કરોળિયાનું નિહાળી રહ્યું છે વન.

નકશા બનાવનાર મુલાકાતે આવતા,
માટે જ ખૂણેખાંચરે જીવી રહ્યું છે વન..

ઝાંખી પડી છે ધૂળથી પાષાણની ચમક,
સૂકી નદીતણી ગતિને પી રહ્યું છે વન.

રસ્તા વધી જવાથી વિસારે પડ્યું હતું,
માણસના મનમહીં હવે ઊગી રહ્યું છે વન.

૧૯૬૪


0 comments


Leave comment