70 - મૃત્યુ / રઘુવીર ચૌધરી


સમયનું સમયને સદી જાય મૃત્યુ,
ચહેરે અમારે જ તરડાય મૃત્યુ.

ચરણની ગતિને વહી જાય છાનું,
પગલીએ પગલીએ છતું થાય મૃત્યુ.

નગરમાં નથી પાનખરની નિશાની,
પળે પળ ધૂણીમાં જ ચકરાય મૃત્યુ.

તમારાં નયનમાં વચનથી ન ભૂલું,
જતા શબ્દમાં સર્વ અંકાય મૃત્યુ.

મને બાળપણ આપણું યાદ આવે,
ફૂલોમાં કળીનું વસી જાય મૃત્યુ.

ગગન પર ગગન છે અને રિક્તતા છે,
ઊડો એની સામે, ન અકળાય મૃત્યુ.

બધાં નીર થોડાંઘણાં તો મલકતાં,
ખડકમાં પડ્યું એક પડઘાય મૃત્યુ.

રણે ચાલવામાં ન વાંધો, મને તો
દીવાલો મહીં જોઈ લજવાય મૃત્યુ.

૧૯૬૪


0 comments


Leave comment