1 - ન્હાના ન્હાના રાસ – પ્રસ્તાવના / ન્હાનાલાલ દલપતરામ


આવો આવોને સખિઓ ! આજ રસતાળી પાડી
કાંઇ ગજવો આપણે બ્હેન ! આ ગુર્જર વાડી.હરિણી શી ચંચળ વાન, નાજુક ને નમણી,
ફૂલની કળી સમ સુકુમાર સૂરતની રમણી!છબિ છટા ભરી, સોહાગ તપે મુખ, મુગ્ધઉરા,
શુભ વડોદરાની વેલ સરિખી ઓ ચતુરા!

રૂડી ઠરેલ બુદ્ધિવિશાલ સ્હમજુ ને રાણી,
મુજ અમદાવાદની બ્હેન! ઘરરખુ ઓ ગૃહિણી!

નિજ ઉરના વિવિધ વિલાસરંગે રંગેલી
મુંબઈની મોહનરૂપ સખિ ઓ અલબેલી.

અમૃત શા મીઠ્ઠા બોલ, પણ જ્ઞાને અધુરી,
ઓ કોકિલકંઠી નાર હાલારની મધુરી !

છો સુન્દર રસિક ઉદાર, સહુ ભગિની આવો,
ગુર્જર જનનીની જેહ કુંવરીઓ ક્‌હાવો.

જ્ય્હાં સિંહણ નિજ સન્તાન ધવરાવે જાળે,
જ્યહાં સાગર ઉછળે નીર મોતીની પાળે;

જ્ય્હાં પ્રેમભક્તિનાં ગાન ભક્‌તજને ગાયામ્,
જ્ય્હાં સ્થળસ્થળમાં ઇતિહાસ શૂરના સોહાયા;

એ અદ્‌ભૂત દેશની બાળ, સ્મરીને વીર સતી,
સૌરાષ્ટ્ર તણી સન્નાર ! પધારો ભાવવતી.

તેજસ્વી, માડોલન્ત, જલની લક્ષ્મી જશી,
આવોને કચ્છની કોડ ભરેલી યુવતિ! હશી.

આવો આવોને સહિયર ! આજ રસટાહુકે ગુંજો,
કાંઇ ગજવો ગમતે ગીત નિજ ગુર્જરી કુંજો.

આ તમ કાજે ભરી છાબ ગીતનાં ફૂલડાંની,
લ્યો સત્કારો, રસબાળ! એટલી મહેમાની.

છે મુજ કુલની એ રીત, તાતે શિખવી ભલી,
લ્યો, ચરણ ધરૂં છું, બ્હેન ! વીરની વીરપસલી.

જૂદે જૂદે સ્થલે વેરાયેલા ગરબા એકઠા કરી એક ન્હાની ગરબાવલિના રૂપમાં અપાય તો સંગીતરસિક સન્નારીઓને સગવડતા થાય એ વિચારથી આ સંગ્રહ છપાવ્યો છે. પૂર્વે છપાયેલા કે નહિ છપાયેલા, છૂટા જ રહેલા કે અન્ય કોઇ લાંબા કાવ્યના અંગભૂત થયેલા મ્હારા પચાસ રાસ આ ગરબાવલિમાં છે. એક ઇન્દુકુમાર અંક ૨ જામાંના રાસ આ સંગ્રહમાં લીધા નથી.

પાછળના ગીતોના જડ્યા તેટલા ઢાળ આપ્યા છે, પણ ત્હેમાં યે ફેરફાર નથી એમ નથી. ફૂલછોડમાં જેમ આંખ ચ્હડાવવામાં આવે છે તેમ ગરબીઓમાં પણ અનેક ઢાળનાં રસિક ગૂંથણ ગૂંથી શકાય છે અને એવા પ્રયોગ આ સંગ્રહમાં ઘણાં છે. કુંડળિયા ને છપય જેવા છન્દો, થત્યા ભાતભાતની લોકપ્રિય ગરબીઓ બતાવે જ છે કે એક ગીતબન્ધમાં અનેક ગીતના ઢાળ સુરીતે મેળવવાથી રસિકતા વધે છે. સાખીઓને માટે પણ ફક્ત દોહરા જ નહિ, પણ દોહરા સોરઠા વસન્તતિલકા ખંડ હરિગીત યોજાયા છે.

અક્ષરમેળ છન્દો સંસ્કૃત પિંગલમાંથી, માત્રામેળ છન્દો વ્રજભાષામાંથી, 'ઉસ્તાદી' રાગ રાગણીઓ હિમ્દુસ્તાની દ્વારા સંગીત શાસ્ત્રમાંથી, અને ગઝલો ફારસીમાંથી; એમ જૂદા જૂદા મૂલકમાંથી એ સહુ ગીતપ્રયોગોની સમૃદ્ધિ ગુજરાતીમાં આવી છે. ગુજરાત જ જેની જન્મભૂમિ એવા ગીતબન્ધોમાં તો ગરબી ગરબા ને સારડા છે. ગુજરાતી ભાષાને ખોળે તે જન્મ્યા છે, અને માતા કરતાં બાલકો ઘણી વાર દીર્ઘાયુ હોય છે ત્હેવું ત્હેમનું ભવિષ્ય ભાસે છે. સાદા નૃત્યના ઉત્સાહ ને ઉમંગ, રથા ગીતની હલક ને હીચ: એવા ચિરંજીવ અંશ એ ગીતબન્ધમાં છે. રસિક જનોમાં ધીમું ધીમું ઢોલક પણ કોઇ સુન્દરી સાથે સાથે બગાડે છે. આમ સંગીતના ત્રને અંગની સરલ ફૂલગૂંથણી ત્હેમનામાં છે. મંહી ગુર્જરી વાગ્દેવીનાં મૃદુતા માધુર્ય લાલિત્ય ને કવિતા ભળતાં અનુપમ રસની રાસઘટા જામી રહે છે. પ્રભુ ત્હેને પવિત્ર ને પ્રેમળ રાખો!

- ન્હાનાલાલ દલપતરામ


0 comments


Leave comment